લેટ આવવા બાબતે ટોકતા બે કર્મચારીઓએ વેપારીને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો
મરીમાતાના ખાંચામાં આવેલ મોબાઈલ શોપમાં
બાજુની દુકાનમાંથી પણ બે કર્મચારીઓએ વેપારીને ગાળો આપી ધમકાવ્યો
મરીમાતાના
ખાંચામાં મોબાઇલની દુકાન ધરાવતા વેપારીએ લેટ આવવા બાબતે ટોકતા બે કર્મચારીઓએ
વેપારીને માર મારી લોહીલુહાણ કરી નાખતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે ચાર વિરુદ્ધ
ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડીયાર નગર રોડ
ખાતે રહેતા વિક્કી સેવકરામ મખીજા રાજમહેલ રોડ મરીમાતાના ખાંચામાં ગુરુકૃપા મોબાઈલ
નામની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, આજરોજ મારી દુકાનમાં કામ કરતા અભિષેકસિંગને
ફોન કરી હજુ સુધી દુકાને કેમ આવ્યો નથી અને દરરોજ લેટ કેમ આવે છે તેવું કહેતા તેણે
મને ગાળો આપી હતી. ત્યારબાદ બપોરના સમયે દુકાનમાં કામ કરતા અભિષેક અને હરજીતસિંગ
દુકાન ઉપર ઘસી આવ્યા હતા. આ દરમ્યાન બાજુમાં પ્રિયુ મોબાઈલ નામની દુકાનમાં કામ
કરતા સુરજસિંગ અને નીરજસિંગ પણ દુકાને આવ્યા હતા. તમામે મને ગાળો આપી ધમકાવ્યો
હતો. અભિષેકે ઈંટનો ઘા કરતા મને માથામાં ઇજા પહોંચી હતી. જ્યારે હરજીતે દુકાનમાં પડેલ પ્લાસ્ટિકના ટુલ્સ વડે
હુમલો કર્યો હતો. મદદે દોડી આવેલ અન્ય વેપારીએ મને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉક્ત
ફરિયાદના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો
હતો.