Gujarat

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં

By GS TEAM
25 Dec 20252 mins read
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં

વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

વાડીએથી આવી રહ્યાં હતા ત્યારે કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો

વલ્લભીપુર: વલ્લભીપુર ચમારડી રોડ પર મહેન્દ્રપુરમ્ મંદિર સામે વાડીએથી બાઈક પર પરત ચમારડી ગામે બાઈક પર આવી રહેલા બે વૃદ્ધોને કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ચમારડી ગામના બન્ને વૃદ્ધના મોત નિપજ્યા છે. બનાવ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે રહેતા કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી (ઉ.વ.૭૨) અને પ્રેમજીભાઈ ઉર્ફે પરમાભાઈ જેરામભાઈ મુંજાણી (ઉ.વ.૮૩) જીજે-૦૪-ઈએસ-૯૭૮૨ નંબરની મોટર સાયકલ લઈને ચમારડી રોડ પર આવેલી વાડીએ ગયા હતા અને સવારે ૧૦.૩૦ કલાકે વાડીએથી પરત ચમારડી આવી રહ્યાં હતા તે દરમિયાન ચમારડી વલ્લભીપુર રોડ પર આવેલ મહેન્દ્રપુરમ્ મંદિર પાસે આવેલી દુકાને ચા પીવા ગયા હતા અને ત્યાં ચા પી ચમારડી આવવા નિકળ્યા હતા અને રોડ ક્રોસ કરતી વખતે જીજે-૦૪-સીજે-૬૨૩૯ નંબરની કારે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કાંતિભાઈ અને પ્રેમજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વલ્લભીપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે મનજીભાઈ નરશીભાઈ જસાણી (મુળ રહે. ચમારડી ગામ, હાલ રહે.કતારગામ, સુરત)એ વલ્લભીપુર પોલીસ મથકમાં જીજે-૦૪-સીજે-૬૨૩૯ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

24 કલાકમાં બીજો અકસ્માત સર્જાયો

વલ્લભીપુરથી ચમારડી વચ્ચે મહેન્દ્રપુરમ્ નજીક છેલ્લા ૨૪ કલાકમાં આ બીજો અકસ્માત સર્જાયો છે. ગતરોજ સવારના સમયે એસટી બસે છકડાને અડફેેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. જે બાદ આજે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધોનું મોત નિપજ્યું છે.