રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા બે ડમ્પરો પકડાયા
નદીમાં બેફામ ખનનની પ્રવૃત્તિ ફુલી ફાલી છે ત્યારે
કલોલના નવા અને પિંપળજ ખાતેથી ૬૦ લાખનો મુદ્દામાલ જપ્તઃહવે ડમ્પર માલિકોને પણ દંડ ફટકારવામાં આવશે
ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્રની સ્થાનિક ટીમ દ્વારા રોડ
ચેકિંગની કામગીરી દરમિયાન,
માઈન્સ સુપરવાઈઝર નવ્યાએ જિલ્લામાંથી ખનીજ ભરીને આવતા ડમ્પર વાહનોનું આકસ્મિક
નિરીક્ષણ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન,
બે ડમ્પરો બિનઅધિકૃત સાદી રેતીના વહન કરતા પકડાયા હતા.કલોલ તાલુકાના નવા ગામ
ખાતેથી એક વાહન જ્યારે બીજુ ડમ્પર પિંપળજ ખાતેથી પજાયું હતું. આ બન્ને ડમ્પરના
ચાલકો પાસે રોયલ્ટી પાસ નહીં હોવાનું સામે આવ્યું હતું. એટલે કે, રોયલ્ટીપાસ વગર
ગેરકાયદે અને ઓવરલોડેડ રેતીનુ વહન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
આ બન્ને વાહનોમાંથી આશરે રૃપિયા ૬૦ લાખની ખનીજ કિંમતનો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત
મિનરલના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા સરકારની મહેસૂલી આવક વધારવા અને ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર અંકુશ
લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.