મર્સીડીઝમાં દારૂ ઢીંચી નીકળેલા 2 નબીરાઓએ વીજપોલ ધરાશાયી કર્યો
રાજકોટના ભીમનગર સર્કલ પાસે અકસ્માત મેટોડામાં કારખાનું ધરાવતાં બંને નબીરાની ધરપકડઃ રાતના સમયે દારૂડિયા વાહન ચાલકોનો ત્રાસ યથાવત
રાજકોટ, : શહેરના ભીમનગર સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે મર્સીડીઝ કારમાં નીકળેલા બે નબીરાઓએ દારૂના નશામાં ચુર બની વીજ થાંભલા સાથે અકસ્માત સર્જયો હતો. જેને કારણે વીજ થાંભલો ધરાશાયી થઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસે સ્થળ પર જઈ બંને નબીરાઓની ધરપકડ કરી હતી. તાલુકા પોલીસની પીસીઆર ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભીમનગર સર્કલ પાસે અકસ્માત થયાની જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. જોયું તો કાળા કલરની મર્સીડીઝ કાર પડી હતી. જે કારથી અકસ્માત થતાં ડિવાઈડર પર રહેલો વીજ થાંભલો ધરાશાયી થઈ ગયો હતો. કાર પાસે બેઠેલા બંને શખ્સો નશાખોર હાલતમાં જણાતાં અટકાયત કરી હતી. જેમાંથી કાર ચાલક કેવીન પંકજભાઈ ઉંધાડ (ઉ.વ.23, રહે. શગુન એલીગન્સ એપાર્ટમેન્ટ, ગોવિંદ રત્ન બંગલોની બાજુમાં) અને તેની સાથે ધુ્રવ અરવિંદભાઈ સોરઠીયા (ઉ.વ.22, રહે. નહેરૂનગર-4, નાનામવા રોડ) હતા.
તાલુકા પોલીસે આ બંને સામે દારૂ પી, કાર ચલાવી, પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ મેટોડામાં કારખાનું ધરાવે છે. કાર આરોપી કેવીનની હતી. બંને આરોપી એમ કહી રહ્યા છે કે પાળ ગામે એક પ્રસંગમાં ગયા હતા. જયાં દારૂ પીધો હતો. ત્યાંથી પરત આવતા હતા ત્યારે ઉજાગરા અને થાકને કારણે થાંભલો નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો ! જે રીતે થાંભલો જમીનમાંથી નીકળી ગયો તે જોતાં અકસ્માત જોરદાર હોવાના તારણ ઉપર પોલીસ પહોંચી છે. શહેરમાં ખાસ કરીને રાતના સમયે અમુક વાહન ચાલકો દારૂ ઢીચી બેફામ ગતિએથી વાહન ચલાવી છાશવારે અકસ્માતો સર્જે છે. પરંતુ પોલીસ રાતના સમયે આવા દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે કોઈ કડક કાર્યવાહી નહીં કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે.