Get The App

હજીરા એનટીપીસી બ્રિજ પાસે ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરતા બે ડ્રાઇવર પકડાયા

Updated: Oct 22nd, 2023

GS TEAM

Google News
Google News
હજીરા એનટીપીસી બ્રિજ પાસે ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરતા બે ડ્રાઇવર પકડાયા 1 - image



- અદાણી પોર્ટ પરથી કેમીકલ આણંદ અને કાનપુર જતુ હતુઃ પોર્ટ પર ટેન્કરને સીલ મારવાનું હોય પણ અધુરૂ સીલ મારી સસ્તામાં વેચતા હતા

સુરત
હજીરાના અદાણી પોર્ટ ઉપરથી કેમીકલ ભરીને આણંદ અને કાનપુર જવા નીકળેલા બે ટેન્કર ચાલકને મોરા ગામ-કવાસ પાટીયા વચ્ચે એનટીપીસી બ્રિજ નજીક ભંગારના ગોડાઉનની બાજુમાં ટેન્કર પાર્ક કરી તેમાંથી માનવ જીવનને જોખમ કારક કેમીકલ ચોરી કરતા બે ડ્રાઇવરને રંગેહાથ ઝડપી પાડી પોલીસે કેમીકલ અને ટેન્કર મળી કુલ રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજેન્દ્રસિંહ રામસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે હજીરા રોડના મોરા ગામથી કવાસ પાટીયા તરફ જવાના રોડ પર એનટીપીસી બ્રિજ નજીક વામન ભંગારના ગોડાઉનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં દરોડા પાડયા હતા. જયાંથી ટેન્કર નં. જીજે-12 બીટી-9606 ના ચાલક આમદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 45 રહે. ગાગોદર, તા. રાપર, કચ્છ) અને ટેન્કર નં. જીજે-12 બીટી-8700 ના ચાલક ઇન્દરસીંગ ચિત્તરસીંગ રાવત (ઉ.વ. 23 રહે. સીંઘાડીયા, તા. સદર, બ્યાવર, રાજસ્થાન) ને ટેન્કરમાંથી કેમીકલ કાઢતા રંગેહાથ ઝડપી પાડયા હતા.

હજીરા એનટીપીસી બ્રિજ પાસે ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરતા બે ડ્રાઇવર પકડાયા 2 - image

પોલીસે આમદ અને ઇન્દરસીંગ દ્વારા ચોરી કરવામાં આવેલા કેમીકલના કેરબા ઉપરાંત 27,000 કિલોગ્રામ મોનોમેર કેમીકલ કિંમત રૂ. 38.36 લાખ અને બીજા ટેન્કરમાંથી 24,500 કિલોગ્રામ એથ્લી હેક્સલી એક્રીલેટ કેમીકલ કિંમત રૂ. 41.91 લાખ ઉપરાંત બંને ટેન્કર કિંમત રૂ. 50 લાખ મળી કુલ રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે અદાણ પોર્ટ ઉપરથી કેમીકલનો જથ્થો લઇ આણંદ અને કાનપુર જવાનું હતું. પરંતુ જે તે ઠેકાણે કેમીકલનો જથ્થો પહોંચાડવા પહેલા ચોરી કરી સસ્તામાં વેચી દેતા હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પોર્ટ ઉપર કેમીકલ ભર્યા બાદ સીલ મારવાનું હોય છે પરંતુ કેમીકલ ચોરી કરવા માટે તેઓ ટેન્કરના પાછળના ભાગે લોક ઉપરનો સળીયો ખોલવાથી ક્લીનર સાઇડ વચ્ચેના ભાગે વાલ્વ ખુલતો હોવાથી તેઓ અધુરૂ સીલ મારતા હતા. ત્યાર બાદ રસ્તામાં કેમીકલ ચોરી કર્યા બાદ સીલ મારતા હતા.