Gujarat

માવઠાંની મોકાણ : પરિક્રમા થશે કે કેમ તે નિર્ણય માટે બે દિવસની રાહ

By GS TEAM
29 Oct 20252 mins read
માવઠાંની મોકાણ : પરિક્રમા થશે કે કેમ તે નિર્ણય માટે બે દિવસની રાહ

સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ભાવિકોને ન આવવા અપીલ : 3 દિવસ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી : જો ગિરનાર ક્ષેત્રમાં માવઠું થશે તો રદ્દ, ન થાય તો તાબડતોબ વ્યવસ્થા ગોઠવવાનો દાવો

જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર માટે પેચીદો પ્રશ્ન બની ગઈ છે. પરિક્રમા શરૂ થશે કે કેમ, તે હજુ નક્કી નથી. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર ગડમથલમાં મુકાઈ ગયું છે. જો ગિરનારમાં વરસાદ થશે તો પરિક્રમા રદ કરવામાં આવશે અને જો વરસાદ નહીં થાય તો તાબડતોબ રસ્તા રિપેરીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય તા. 31 ઓક્ટોબરે લેવામાં આવશે. ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીને ન આવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર સહિતનાઓએ અપીલ કરી છે.

કમોસમી વરસાદે અનેક પરંપરાઓને વેરવિખેર કરી દીધી છે. જવલ્લે જ પરિક્રમા સમયે વરસાદની સ્થિતિ ઉભી થાય છે. આ વખતે પરિક્રમા પૂર્વે માવઠાએ તંત્રની તમામ ગોઠવણને વિખી નાખી છે. ભાવિકો માટે પરિક્રમા રૂટ પર રસ્તા રિપેરીંગ, લાઈટ, પાણી, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી રહી હતી તેવામાં વરસાદે પરિક્રમા શરૂ રાખવી કે કેમ તે નિર્ણય લઈ શકાય નહી તેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. વન વિભાગના ડીસીએફ, એસપી અને કલેક્ટરે પરિક્રમા અંગે સંયુક્ત રીતે સત્તાવાર જાહેરાત કરી છે કે, જ્યાં સુધી પરિક્રમા ચાલુ રાખવા અંગેનો તંત્ર દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીએ આવવું નહીં. હાલ વરસાદના કારણે 36 કિલોમીટરના રસ્તામાંથી મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જો વરસાદ પડશે તો યાત્રિકોની સલામતી સહિતના પ્રશ્નોને ધ્યાને લઈ પરિક્રમા બંધ રાખવી ફરજિયાત બની જાય છે. જો વરસાદ નહી પડે તો તાબડતોબ રસ્તા રિપેરીંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.