વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન પ્રથા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara BJP : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારી રાજકીય પક્ષોએ શરૂ કરી છે ત્યારે ભાજપ દ્વારા ચાર ઝોનમાં ચાર સ્થળોએ ઉમેદવારોનો મેળાવડો તા.1 અને 2 એપ્રિલના રોજ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં રાખવાનું નક્કી કર્યું હતું. તે મુજબ આજે સવારથી પ્રારંભ થયો છે. કેટલીક જગ્યાએ સવારે 9:00 વાગે શરૂ થનારી પ્રક્રિયા 11 વાગ્યે શરૂ થઈ હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખે વડોદરા ખાતે મધ્ય ગુજરાતની બેઠકમાં કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે કોઈની ભલામણ સ્વીકારવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી. જેથી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, પ્રદેશ પ્રમુખના નિવેદન પછી ઉમેદવારોની પસંદગી સમયે હજુરિયા કાર્યકર્તાઓને ટિકીટ પધરાવી દેવામાં આવે છે. તા.1 અને 2 એપ્રિલના રોજ પ્રદેશ નિરીક્ષકોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગત ચૂંટણીની જેમ ચાર ઝોનના વિભાગ પાડવામાં આવ્યા છે. તા.1 અને 2 ના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શહેરના ચાર પાર્ટી પ્લોટમાં ઉમેદવારો પોતાનો બાયોડેટા રજૂ કરી શકશે.
આજે સવારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો મેળાવડો શરૂ થઈ ગયો હતો. કેટલીક જગ્યાએ નિરીક્ષક મોડા આવતા સવારે 9 વાગ્યાને બદલે 11 વાગે ટિકિટ વાંછુઓનો મેળાવડો શરૂ થયો હતો.
ઉમેદવારો માટે વહેલો તે પહેલોના ધોરણે ટોકન પદ્ધતિ રાખી હતી. એક વોર્ડમાં અંદાજે 150 થી 200 જેટલા કાર્યકર્તાઓએ પોતાની ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. તો કેટલાક કાર્યકર્તા પોતાના માટે નહીં પરંતુ તેમના પત્ની માટે ઉમેદવારી નોંધાવવા આવ્યા હોવાના કિસ્સા પણ બન્યા હતા. આજે સવારથી શરૂ થયેલા મેળાવડામાં બે દિવસ દરમિયાનમાં અંદાજે ત્રણ હજાર જેટલા કાર્યકર્તાઓ ટિકિટ માટે પોતાની ઉમેદવારી નોંધાવશે તેમ જાણવા મળે છે.









