કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત

અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર
પિતરાઈ ભાઈની બાઈક ઉપર જતા અકસ્માત નડયો : ટ્રક રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ
કઠલાલના ભાટેરા ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે આવેલા બારૈયા વગામાં રહેતા ચિરાગ નટવરસિંહ બારૈયા ગઈકાલે સાંજના સમયે પોતાના બાઈક ઉપર ગામમાંથી પડોશમાં રહેતી ભાવનાબેન કમલેશભાઈ બારૈયા અને તેણીના કાકાની દીકરી નીતા કીશનભાઈ ઉર્ફે મનુભાઈ બારૈયાને બેસાડી ઘેર જતા હતા. બાઈક ઘર નજીક આવેલા નડિયાદ મોડાસા રોડ ક્રોસ કરતું હતું. ત્યારે રોડ પર પૂરઝડપે આવતી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી બાઈક પાછળ બેઠેલા ભાવનાબેન કમલેશભાઈ બારૈયા (ઉં.વ ૨૪)નું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી તેણીની કાકાની દીકરી નીતાબેન કિશનભાઈ બારૈયા (ઉં.વ.૧૫)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં નીતાનું પણ મૃત્યુ થયું છે. અકસ્માત સર્જનારો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.
કઠલાલ પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.









