Get The App

વડોદરા પાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોની 'ભૂલ', ભાજપની દરખાસ્તને કરી દીધુ સમર્થન

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા પાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોની 'ભૂલ', ભાજપની દરખાસ્તને કરી દીધુ સમર્થન 1 - image


Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગઈકાલે રજૂ થયેલા વિવિધ કામો દરમિયાન એક વિચિત્ર ઘટના બની, જેમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ અજાણતાં જ ભાજપની દરખાસ્તોને સમર્થન આપી દીધું. આ ઘટનાએ સભાસદોની જાગૃતિ પર સવાલો ઉભા કર્યા છે.

પાલિકાની સામાન્ય સભામાં કુલ આઠ કામો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, બાલવાડીઓ અને કચેરીઓમાં 3 માર્ચ, 1992થી ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓના પ્રોબેશન પિરિયડ દૂર કરવા અને ઔદ્યોગિક તકરાર અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી 2019માં આવેલ ઔદ્યોગિક ન્યાય પંચના ચુકાદાનો અમલ કરવા માટે ભલામણ રજૂ કરાઈ હતી.આ દરખાસ્ત સામે કોંગ્રેસે વાંધા દરખાસ્ત રજૂ કરવા સાથે પોતાની અલગ દરખાસ્ત મૂકી હતી. જોકે, વોટિંગ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ભૂલમાં ભાજપના સમર્થનમાં પોતાનો વોટ રજૂ કરતા આંગળી ઊંચી કરી દીધી!

આવી જ બીજી ઘટના પાલિકા હદ વિસ્તારમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ 40 હેઠળ નોન-TP વિસ્તાર ગોરવામાં સૂચિત નગર રચના યોજના તૈયાર કરવા અને કલમ 41 થી 48 સુધીની તમામ કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવાની ભલામણ બાબતે બની. આ મામલે પણ કોંગ્રેસે પોતાની અલગ દરખાસ્ત રજૂ કરીને તેને મંજૂરી આપવાની માંગ કરી હતી. પરંતુ, જ્યારે વોટિંગ થયું ત્યારે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર બાળુ સુર્વેએ પણ પોતાનો મત ભાજપના સમર્થનમાં આપતા આંગળી ઊંચી કરી દીધી.

સભાસદોની જાગૃતિ પર સવાલ:

સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ તરત જ બંને સભાસદોનું ધ્યાન દોરતા તેઓએ તુરંત પોતાનો મત બદલ્યો હતો. પરંતુ, આ ઘટનાએ મહત્વના કામોમાં સભાસદો કેટલા જાગૃત છે તે અંગે પાલિકાના વર્તુળોમાં ગણગણાટ શરૂ કરી દીધો છે. શું સભાસદો દરખાસ્તોને યોગ્ય રીતે સમજ્યા વિના જ વોટિંગ કરી રહ્યા છે, તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.

Tags :