Gujarat

ગાંધીનગર કોર્પોેરેશનની બે ક્લાર્ક યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

By GS TEAM
7 Mar 20262 mins read
ગાંધીનગર કોર્પોેરેશનની બે ક્લાર્ક યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

પરિવારને ફોન ઉપર આત્મહત્યા કરવાની જાણ કર્યા બાદ પગલું ભર્યું

ફાયર બ્રિગેડ બંનેના મૃતદેહને બહાર કાઢયા ઃ આપઘાતનું સચોટ કારણ જાણવા માટે અડાલજ પોલીસ દ્વારા તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગર પાલિકા કચેરીમાં કાયમી ક્લાર્ક તરીકે ફરજ બજાવતી બે યુવતી ગઈકાલે સાંજે નભોઈ નર્મદા કેનાલ ઉપર પહોંચ્યા બાદ પરિવારને આપઘાત કરતા હોવાની જાણ કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર ફાયર બ્રિગેડ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે ભારે શોધખોળ બાદ ઝુંડાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જે અંગે અડાલજ પોલીસે તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે અમદાવાદના નરોડા ખાતે સી કોલોનીમાં રહેતી સેજલબેન જશવંતભાઈ પટેલ અને થલતેજ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતી રીપલ રાકેશભાઈ રાવળ પાંચ મહિના અગાઉ કરવામાં આવેલી ભરતીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી ત્યારે ગઈકાલે સાંજના સમયે ઓફિસ છૂટયા બાદ આ બંને યુવતીઓ ઘરે જવા માટે નીકળી હતી પરંતુ ઘરે પહોંચી ન હતી. સાંજના સમયે નભોઈ નર્મદા કેનાલ ઉપર પહોંચી હતી જ્યાં બંનેએ તેમના પરિવારને ફોન કરીને કહ્યું હતું કે અમે આપઘાત કરીએ છીએ. જે સાંભળતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ બંનેના ફોન બંધ આવતા હતા અને પરિવારજનોએ ૧૧૨ હેલ્પલાઇનને જાણ કરતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ તુરંત જ નભોઈ નર્મદા કેનાલ ઉપર પહોંચ્યું હતું. જ્યાં આ બંને યુવતીની તપાસ કરી હતી પરંતુ મળી આવી ન હતી. ભારે જહેમત બાદ ઝુંડાલ નર્મદા કેનાલ પાસેથી બંનેના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. પરિવારજનો પણ કેનાલ ઉપર દોડી આવ્યા હતા. જે ઘટનાની જાણ થતા અડાલજ પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. આ બંને આશાસ્પદ યુવતીઓએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. શું ઓફિસનું કામકાજ જવાબદાર હતું, કોઈ અંગત પારિવારિક પ્રશ્ન હતો કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બંને યુવતીઓ પાંચ મહિના પહેલા જ સરકારી નોકરીમાં જોડાઈ હોવાથી આ ઘટનાએ મનપાના કર્મચારીઓમાં પણ ચકચાર મચાવી દીધી છે. પોલીસે હાલ અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.