Gujarat

દ્વારકામાં 1.10 લાખની ઓનલાઇન તફડંચી કરનાર બે ચીટર ઝડપાયા

By GS TEAM
21 Jun 20252 mins read
દ્વારકામાં 1.10 લાખની ઓનલાઇન તફડંચી કરનાર બે ચીટર ઝડપાયા

સાયબર ક્રાઇમ પોલીસે બે બનાવના ભેદ ઉકેલ્યા

દિલ્હીનો ચીટર આધાર કાર્ડનો નંબર મેળવી લઇને તો મધ્યપ્રદેશનો શખ્સ મોબાઇલ ફોનમાં લિંક મોકલીને બેંક ખાતા સફાચટ્ટ કરવામાં માહેર નીકળ્યા

જામ ખંભાળિયા: વર્તમાન ઓનલાઈન તેમજ ટેકનોલોજીના સમયમાં લોકો વિવિધ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ તેમજ જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ત્યારે કેટલાક લોકોની જાણ બહાર અથવા બેદરકારીથી તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા બે કેસમાં બે આસામી સાથે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ દ્વારા તેમજ એપીકે ફાઈલ મોકલી અને વિવિધ પ્રકારે છેતરપિંડી કરનારા બે શખ્સોને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર દિલ્હી અને ગ્વાલિયર (મધ્યપ્રદેશ)થી દબોચી લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીના કોઈ ગઠિયાઓ દ્વારા આધારકાર્ડના નંબર મેળવી, અને રૂ. ૬૬,૦૦૦ ની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

જેમાં ઉત્તર દિલ્હીના કરવાલ નગર વિસ્તારમાં રહેતા સંજય હીરા લાલ નામના ૨૮ વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સ દ્વારા પોતાની આવડત અને ટેકનિકલ નોલેજના આધારે ભોગ બનનારના આધાર કાર્ડ નંબર મેળવી અને આધારકાર્ડ સાથે લીંક થયેલા બેંક ખાતાઓમાંથી તેમની જાણ બહાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. 

અન્ય એક ઠગાઈમાં દ્વારકામાં રહેતા એક આસામીને ગત તારીખ ૫ મી ફેબુ્રઆરીના રોજ કોઈ ગઠિયાએ મોબાઈલ ફોનમાં વોટ્સએપ મારફતે .એપીકે નામની ફાઈલ મોકલાવી મોબાઈલના એક્સેસ લઈ લેવામાં આવ્યા હતા. આ પછી તેમના ધ્યાન બહાર તેમના બેંક ઓફ બરોડા માંથી રૂ. ૫૦,૦૦૦ ની રકમ ઉપાડી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હતી.  આ પ્રકરણમાં મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર વિસ્તારમાં રહેતા વિષ્ણુ પ્રતાપસિંહ બ્રિજ કિશોરસિંહ નામના ૨૧ વર્ષના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. 

આરોપી દ્વારા યુક્તિપૂર્વક કોઈ આસામીને મોબાઈલ ફોનમાં .છઁણ ફાઇલ મોકલી અને તેમના મોબાઈલના તમામ એક્સેસ મેળવી લેવામાં આવતા હતા. જેમાં રહેલી બેન્કિંગ એપ્લિકેશન, મેસેજ, કોન્ટેકટ નંબરો, વિગેરેના એક્સેસનો ઉપયોગ કરી અને જે-તે આસામીના બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી તેમની ધ્યાનમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન લઈ અને આ પૈસાના ઓનલાઈન ગિફ્ટ વાઉચર ખરીદી લઈને આયોજનબધ્ધ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી.