બૂટલેગર પાસેથી દારૃ લાવતા રિક્ષા ચાલક સહિત બે ઝડપાયા
સગીર વયના કિશોરે ભાગીદારીમાં દારૃનો ધંધો શરૃ કર્યો હતો
વડોદરા,વાઘોડિયાના શંકરપુરા ગામના બૂટલેગર પાસેથી દારૃ લઇને આવતા રિક્ષા ચાલક અને સગીર સહિત બે કેરિયરને પોલીસે ઝડપી પાડયા છે.
વડોદરા એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમને માહિતી મળી હતી કે, એક આરોપી રિક્ષામાં વિદેશી દારૃ લઇને આજવા રોડ કિશનવાડી જય અંબે ફળિયા નજીક ઉભો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃ ભરેલી રિક્ષા સાથે (૧) મુકેશ ગોવિંદભાઇ માળી (રહે. માળી મહોલ્લો, છાણી) તથા એક સગીર મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો રાકેશ કનોજીયા સાથે ભાગીદારીમાં નીરજ ઉર્ફે નિલુ ઠાકોર (રહે.શંકરપુરા, વાઘોડિયા) પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૃની ૧૪૪ બોટલ કિંમત રૃપિયા ૨૪,૪૮૦, એક મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૃપિયા ૭૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.