બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડો પાડી મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા બે શખ્સોને ઝડપી પાડી કુલ રૂ.68 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક મહિલાને ફરાર જાહેર કરી હતી.
વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલ નાડીયાવાસના નાકા પાસે દલપત ઉર્ફે વિલિયમ પ્રવીણભાઈ પરમાર અને ભદ્રેશ ફુલચંદભાઈ પરમાર (બન્ને રહે- નાડીયાવાસ, મદનઝાંપા રોડ) મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પીસીબી ટીમને મળી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે શનિવારે સાંજે છ વાગ્યાના સુમારે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી બંનેને દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 8940ની કિંમતના દારૂની બોટલ તથા બિયરના ટીન નંગ 35, બે મોબાઈલ ફોન તથા મોપેડ સહિત કુલ રૂ. 68,940નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ આ દારૂ-બિયરનો જથ્થો પાણીગેટ વિસ્તારમાં રહેતી શીતલબેન આપી ગયેલ હોવાની કબુલાત કરી હતી. આ અંગે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








