જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ
- નડિયાદના સલુણમાં પશુ માટે ચારો લેવા
- ફરિયાદીને ધારિયું મારી ફ્રેક્ચર કરી છોડાવવા આવેલા વ્યક્તિને મારી ધમકી આપી હતી
નડિયાદના સલુણમાં ફરિયાદી દિલીપભાઈ તળપદા તેમના બકરા માટે ચારો લેવા આરોપી સૌરભ પટેલ અને હેત પટેલના પેટ્રોલપંપની બાજુની જમીનમાં થઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ આવીને તેમને જમીન પરથી પસાર થવાનું કારણ પૂછયું હતું. સૌરભ પટેલે ઉશ્કેરાઈને ધારીયું લઈને હુમલો કર્યો. હુમલાથી બચવા જતા ફરિયાદીને ડાબા પગે ચાંચ ધુંટી ઉપર વાગી જતા ફ્રેક્ચર થયું હતું. હેત પટેલે ગડદાપાટુનો માર માર્યો. છોડાવવા આવેલા સાહેદ નરેન્દ્રભાઈ પર પણ આરોપી સૌરભે ધારીયાના હાથાથી હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ નડિયાદના નવમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને છ માસની સાદી કેદ ફટકારવા હુકમ કર્યો હતો.