Get The App

રૂ.13.49 લાખના સ્ટોન, પેપર મટીરીયલ ઉધારમાં લઈ બે ભાઈ દુકાન બંધ કરી ફરાર

શરૂઆતમાં બંને ભાઈઓએ વારાફરતી રોકડામાં માલ ખરીદી હોલસેલ વેપારીનો વિશ્વાસ કેળવી બાદમાં ચાર બિલનું પેમેન્ટ બાકી રાખ્યું હતું

મુદત વીતતા સીમાડામાં વેપાર કરતા મૂળ ભાવનગરના વેપારીએ ફોન કર્યો તો બંને ભાઈઓના ફોન બંધ હતા અને દુકાને તપાસ કરી તો તેઓ માલ ભરી ક્યાંક ચાલી ગયા હતા

Updated: May 11th, 2023

GS TEAM

Google News
Google News
રૂ.13.49 લાખના સ્ટોન, પેપર મટીરીયલ ઉધારમાં લઈ બે ભાઈ દુકાન બંધ કરી ફરાર 1 - image


- શરૂઆતમાં બંને ભાઈઓએ વારાફરતી રોકડામાં માલ ખરીદી હોલસેલ વેપારીનો વિશ્વાસ કેળવી બાદમાં ચાર બિલનું પેમેન્ટ બાકી રાખ્યું હતું

- મુદત વીતતા સીમાડામાં વેપાર કરતા મૂળ ભાવનગરના વેપારીએ ફોન કર્યો તો બંને ભાઈઓના ફોન બંધ હતા અને દુકાને તપાસ કરી તો તેઓ માલ ભરી ક્યાંક ચાલી ગયા હતા


સુરત, : સુરતના સીમાડા ખાતે સ્ટોન, પેપર વિગેરેનો ટેક્સટાઇલ હોટફીક્સ મટીરીયલનો વેપાર કરતા મૂળ ભાવનગરના વેપારી પાસેથી રૂ.13.49 લાખનો સ્ટોન તથા પેપર મટીરીયલ્સનો માલ ઉધારમાં ખરીદી બે ભાઈઓ દુકાનો બંધ કરી ફરાર થઈ જતા સરથાણા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના સાતપળા ગામના વતની અને સુરતમાં મોટાવરાછા અબ્રામા રોડ અમૃત રેસીડેન્સી ઘર નં.આઇ/201 માં રહેતા 47 વર્ષીય પ્રવિણભાઇ મગનભાઇ લુણાગરીયા સીમાડા ગામ મારુતિનગર સોસાયટી ઘર નં.16 માં શ્રીરામ એન્ટરપ્રાઈઝના નામે સ્ટોન, પેપર વિગેરેનો ટેક્સટાઇલ હોટફીક્સ મટીરીયલનો હોલસેલ વેપાર કરે છે.એપ્રિલ 2022 માં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ રાહુલ હિંમતભાઇ ટીંબડીયા તરીકે આપી પોતે અમરોલી સાયણ રોડ સાંઇ એમ્રો ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2 પ્લોટ નં.34 દુકાન નં.4 માં આઇ ખોડલ હોટફીક્ષના નામે ટેક્સટાઇલ મટીરીયલનો વેપાર કરે છે તેમ જણાવ્યું હતું.રાહુલે તેનો ભાઈ રવિ પણ અમરોલી છાપરાભાઠા રોડ પ્રમુખપાર્ક શોપીંગ સેન્ટર દુકાન નં.3 માં આઈ મોગલ હોટફીક્ષના નામે ટેક્સટાઇલ મટીરીયલનો વેપાર કરે છે તેમ કહ્યું હતું.

રૂ.13.49 લાખના સ્ટોન, પેપર મટીરીયલ ઉધારમાં લઈ બે ભાઈ દુકાન બંધ કરી ફરાર 2 - image

ત્યાર બાદ બંનેએ પ્રવિણભાઈની દુકાને આવી રોકડામાં માલ ખરીદી વિશ્વાસ કેળવ્યો હતો.બાદમાં 13 થી 22 જુલાઈ દરમિયાન બંને ભાઈઓએ કુલ રૂ.13,48,716 નો સ્ટોન તથા પેપર મટીરીયલ્સનો માલ ઉધારમાં ખરીદી 23 મી ના રોજ સાંજ સુધીમાં પેમેન્ટ ચુકવવાની બાહેંધરી આપી હતી.જોકે, ઉઘરાણી કરતા તેમણે બે દિવસની મુદ્દત માંગી હતી અને 25 મી એ પ્રવિણભાઈએ જયારે તેમને ફોન કર્યો તો બંનેના ફોન બંધ હતા.આથી તેમણે બંને ભાઈઓની દુકાને જઈ તપાસ કરી તો દુકાનો બંધ હતી.આજુબાજુ પૂછતાં જાણવા મળ્યું હતું કે બંને પોતાની દુકાનોમાંથી માલ ભરીને બીજે ક્યાંક જતા રહ્યા છે.બંને ભાઈઓએ અન્ય વેપારીઓ સાથે પણ આ રીતે ઠગાઈ કરી હોવાની જાણ થતા છેવટે પ્રવિણભાઈએ મૂળ અમરેલીના ધારીના કોઠાપીપરીયાના વતની અને સુરતમાં પુણાગામ સીતાનગર ચોકડી પાસે શિવશક્તિ સોસાયટી ઘર નં.165 માં રહેતા બંને ભાઈઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :