Gujarat

કુમારખાણ ગામ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા બંને ચાલકના મોત

By GS TEAM
24 Aug 20251 min read
કુમારખાણ ગામ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા બંને ચાલકના મોત

- વિરમગામના નળસરોવર રોડ પર અકસ્માત

- પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી 

અમદાવાદ : વિરમગામના નળસરોવર રોડ પર કુમારખાણ ગામ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ચાલકના મોત નિપજ્યાં હતા. પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

વિમરાગના નળસરોવર રોડ પર આવેલા કુમારખાણ ગામ નજીક શુક્રવારના રોજ મોડી સાંજે બે બાઇક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નિતીન ગોવિંદભાઇ ડાભી (ઉ.વ.૧૮, રહે.કુમારખાણ ગામ) અને વિષ્ણુ હિંમતભાઇ મેર (ઉ.વ.૧૯, રહે.કમિજલા ગામ)નું કરૂણ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકોને પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિરમગામ-નળસરોવર પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે વિરમગામ અને નળ સરોવર રોડ પર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોથી અવરજવર તેમજ બેફામ ચાલતા વાહનોને લઈને અકસ્માતોની સંખ્યા વધી છે. સાંકડા અને જર્જરિત રસ્તાને લઈને વારંવાર સર્જાતા અકસ્માતને લઈને નળકાંઠાના ગ્રામજનો પર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.