Gujarat

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ

By GS TEAM
1 Nov 20251 min read
જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ

વડોદરા, તા.1 જરોદ પાસે દવા લેવા જતી વૃધ્ધાની સોનાની ચેન તફડાવી ફરાર થઇ ગયેલા બે બાઇકસવાર લૂંટારૃઓ આખરે ઝડપાઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ જરોદની શિવનંદન સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષના કલાવતીબેન જયંતિભાઇ જયસ્વાલ પોતાના ઘેરથી નીકળી દવા લેવા માટે જતા હતા અને તેઓ સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે બે બાઇકસવારો નજીક આવ્યા હતા અને માજી ક્યાં જવું છે તેમ કહી તેમણે બાઇક પર બેસાડયા હતાં. વૃધ્ધાને જરોદ બજારમાં લઇ જવાના બદલે અન્ય રસ્તે લઇ જઇ ધમકી આપી રૃા.૧.૬૦ લાખ કિંમતની ૧૫.૨૧ ગ્રામ સોનાની ચેનની લૂંટ કરી બંને બાઇકસવારો ફરાર થઇ ગયા હતાં.

આ ગુનાની ફરિયાદ બાદ જરોદ પોલીસે સીસીટીવી કેમેરા ચકાસ્યા  હતા જેમાં બે શખ્સોની ઓળખ થયા બાદ પ્રિયાંશ ઉર્ફે કાળીયો નિતીન ઉર્ફે કૌશિક સોલંકી (રહે.નવનિધી સોસાયટી, સમિયાલા રોડ, જરોદ) અને સિધ્ધાર્થ ઉર્ફે સિધ્ધુ વિનયસિંગ સિંગ (રહે.સંતોષીનગર, ખોડિયારનગર, વડોદરા)ને ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટેલી સોનાની ચેન, બાઇક અને બે મોબાઇલ કબજે કર્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે સિધ્ધાર્થ સામે બે વર્ષ પહેલાં વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુનો નોંધાયો હતો.