ગોરવામાં સોનાનો અછોડો તોડીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર
પુત્રને આઇસક્રીમ ખવડાવવા ઉભા રહ્યા અને અછોડો તૂટયો
વડોદરા,ગોરવા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને અછોડો તોડનાર આરોપી પકડાયા છે. ત્યારે ગઇકાલે રાતે બીજો એક અછોડો ગોરવા વિસ્તારમાં તૂટયો છે. બાઇક સવાર બે આરોપીઓ સોનાનો એક તોલા વજનનો અછોડો તોડીને ફરાર થઇ ગયા હતા.
ગોરવા દશામા મંદિર પાસે સ્વામિ વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા કિશનસીંગ બહાદુરસીંગ રાવત હાલોલ જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગઇકાલે રાતે જમીને તેઓ પુત્ર અને પત્ની મમતાબેન સાથે ઘરની નીચે આવ્યા હતા. સાડા દશ વાગ્યે તેઓ મોપેડ લઇને ફરવા નીકળ્યા હતા. સ્વામિ વિવેકાનંદ હાઇટ્સની નજીક એક આઇસક્રીમવાળો ઉભો હતો. પુત્રને આઇસક્રીમ ખાવો હોઇ તેઓ ઉભા રહ્યા હતા. કિશનસીંગ આઇસક્રીમ લઇને મોપેડ પાસે આવ્યા હતા. તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે આરોપીઓ પૈકી પાછળ માસ્ક પહેરીને બેસેલા આરોપીએ તેમના ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો હતો. ત્યારબાદ બંને આરોપીઓ દશામા ના મંદિર તરફ ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા પોલીસ આવી ગઇ હતી. આરોપીઓ ૧૦ ગ્રામ વજનનો અછોડો તોડીને ભાગી ગયેલા આરોપીઓની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ૧૦ ગ્રામ સોનાની કિંમત હાલમાં અંદાજે ૯૭ હજાર છે. જ્યારે પોલીસે સોનાનો ભાવ માત્ર ૩૫ હજાર જ ગણ્યો છે.