Gujarat

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત

By GS TEAM
11 Mar 20261 min read
વરસાડા પાસે બે બાઇક અથડાઇ  પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત

વડોદરા, તા.11 વડોદરા નજીક નેશનલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પોર બળિયાદેવ મંદિરેથી દર્શન કરીને પરત ફરતી મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે તેના પતિ અને પુત્રને ઇજા થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શંકરપુરા ગામમાં નિશાળવાળા ફળિયામાં રહેતા ભૂપેન્દ્ર રાયસીગ ચાવડા વાઘોડિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇ કાલે સવારે તેઓ પોતાની બાઇક પર પત્ની તેજલ (ઉ.વ.૩૬) તેમજ પુત્ર રાજવીરસિંહ સાથે પોર બળિયાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતાં. દર્શન કર્યા બાદ તેઓ બાઇક પર પરત ઘેર આવતા હતા ત્યારે વરસાડા પાસે પોર ગામ તરફથી પૂરપાટઝડપે આવતી અન્ય બાઇકે પાછળથી ભૂપેન્દ્રભાઇની બાઇકને ટક્કર મારી હતી.

આ સાથે બાઇક પરથી ભૂપેન્દ્રભાઇ, પત્ની તેજલ અને પુત્ર રાજવીરસિંહ રોડ પર પટકાયા હતાં. તેજલબેનને ગંભીર ઇજા થતા તેમને પોર સરકારી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેમનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું જ્યારે ભૂપેન્દ્રભાઇ અને પુત્રને ઇજા થઇ હતી. અકસ્માત કરનાર ચાલકને પણ ઇજા થઇ હતી પરંતુ તે બાઇક લઇને જતો રહ્યો હતો. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.