ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે ATM તોડ્યા પણ સફળ ન થયા, ત્રિપુટી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરાની આસપાસ ચાર દિવસમાં બે એટીએમ તોડવાનો પ્રયાસ થતા પોલીસે રાતોરાત લાખો રૂપિયા મેળવી લેવા એટીએમ ગેસ કટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર સરફરાજ સહિતની ત્રિપુટીને ઝડપી પાડી છે.
વડોદરા પાસે સાકરદા ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા વન બેંકના એટીએમને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થતા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પછી મંજુસર જીઆઇડીસી પાસે આવી જ રીતે ઇન્ડિયા વનના વધુ એક એટીએમને કાપવાનો પ્રયાસ થયો હતો.
કારના ઉપયોગથી પોલીસ નામચીન સરફરાજ સુધી પહોંચી
એટીએમ તૂટવાના બનાવ અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી હતી. જેમાં એક જ ટોળકી સામેલ હોવાની પોલીસને શંકા થઈ હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ઈકો વાનની પોલીસે તપાસ કરતા આ વાન ઠેકરનાથ સ્મશાન પાસે રહેતો સરફરાજ ઉપયોગ કરતો હોવાથી વિગતો ખુલી હતી. જેથી પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.
વાનમાંથી ગેસ કટર મળ્યું, ગેસ વેલ્ડીંગની દુકાનમાંથી ચોરી કરી એટીએમ તોડ્યા
પોલીસે વાનમાંથી સરફરાજ યાસીન હુસેન સૈયદ ઠેકરના સ્મશાન પાસે,અજબડી મિલ પાછળ), સોહમ કાલિદાસ માળી (સહકાર નગર, ઉકાજીના વાડિયા પાસે વાઘોડિયા રોડ) અને મનીષ મુકેશભાઈ સોલંકી (જીવણ નગર, બી.એસ.યુ.પી આવાસ, પ્રભાત નગર પાસે વાઘોડિયા રોડ) ને ઝડપી પાડી વાનમાંથી ગેસ કટર, સિલિન્ડર, કોસ અને ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા.
ઓનલાઇન ગેમમાં 15 લાખનું દેવું અને લોનના હપ્તા ચડી જતા સરફરાજે સાગરીતોની મદદ લીધી
પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ઇન્ડિયા વન બેંકના બે એટીએમની નિશાન બનાવ્યા હોવાની પરંતુ તેમાં સફળતા નહીં મળતા બીજી યોજના બનાવી રહ્યા હોવાની વિગતો ખુલી હતી. ત્રિપુટીનો સૂત્રધાર સરફરાજને ઓનલાઇન ગેમમાં 15 લાખ રૂપિયાનું દેવું થઈ જતાં તેમજ લીધેલી લોનના હપ્તા પણ ચડી જતા રાતોરાત મોટો હાથ મારવા સોહમ અને મનીષની મદદ લીધી હોવાની માહિતી બહાર આવી હતી.
એટીએમ તોડવા માટે સરફરાજે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં સરફરાજ એટીએમ તોડવા માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. સરફરાજે યુટ્યુબ પરથી માહિતી એકત્રિત કર્યા બાદ ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવા માંગતા બે સાગરીતોને યોજના સમજાવી એટીએમને નિશાન બનાવ્યા હોવાની માહિતી મળી હતી.








