Get The App

આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા 1 - image


- રાવડાપુરા હાઇવે અને ઉત્તરસંડાના બે શોરૂમમાંથી ચોરી કરી હતી

- પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : ટોળકીના બે સાગરિતની સંડોવણી ખૂલતા પકડવા માટે કવાયત 

આણંદ : આણંદ જિલ્લાના રાવડાપુરા હાઇવે ઉપર આવેલા શોરૂમમાંથી અને ઉત્તરસંડા નજીકના એક શોરૂમમાં ત્રણ વર્ષ પૂર્વે ઘરફોડ ચોરીને અંજામ આપનાર દાહોદની ખજુરીયા ગેંગના બે રીઢા ઘરફોડિયાને  એલસીબી પોલીસે આણંદ પાસેના ચિખોદરા નજીક આવેલા બુલેટ ટ્રેન બ્રિજ પાસેથી ઝડપી પાડયા હતા તેમના બે અન્ય સાગરિતના પણ નામ ખુલતા પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલે નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચિખોદરા નજીક આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ પાસે બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં બેઠા હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ બંને  શખ્સોને ઝડપી પાડી તેમની અંગજડતી લેતા તેમની પાસેથી લોખંડનું ગણેશિયુ,ડીસમિસ પકડ, બેટરી જેવા ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે બંને શખ્સોના નામ ઠામ અંગે પૂછતા તે ધર્મેશભાઈ ઉર્ફે ધરમ કાજુ ભાઈ ઉર્ફે અગન કસનભાઈ ભાભોર અને વિકાસ દલસિંગભાઈ ભાભોર (બંને રહે આમલી ખજૂરીયા દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની કડકાઈથી પૂછપરછ કરતા ચોરી કરવાના ઇરાદે આવ્યા હોવાની કબુલાત કરી હતી.

 પોલીસે બંનેને અટકમાં લઈ એલસીબી પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા બંને શખ્સોએ અન્ય સાગરીતો શિવરાજભાઈ ઉર્ફે સેવરો ધારકાભાઇ પલાસ અને વિજયભાઈ દીપાભાઇ પલાસ સાથે મળી ગત તારીખ ૨૬ જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ રાવડાપુરા બ્રિજ નજીક આવેલા શોરૂમમાં પ્રવેશ કરી ઓફિસમાંથી રોકડા રૂપિયા ૭.૪૫ લાખની ચોરી કરી હતી સાથે સાથે નડિયાદ ઉત્તરસંડા રોડ ઉપર આવેલ અમર કાર શોરૂમમાં પ્રવેશ કરી ૫.૪૨ લાખની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. 

જેથી પોલીસે બંને શખ્સોને વધુ તપાસ અર્થે આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યા હતા. 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી ધર્મેશ ઉર્ફે ધરમ ભાભોર અને વિકાસ ભાભોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ધર્મેશ ભાભોર વિરુદ્ધ પંચમહાલ જિલ્લાના રાજગઢ, અમદાવાદના વિવેકાનંદ, છોટાઉદેપુરના સંખેડા, દાહોદ જિલ્લાના લીમખેડા અને અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથકોમાં અલગ અલગ આઠ જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. 

જ્યારે વિકાસ ભાભોર વિરુદ્ધ દાહોદ જિલ્લાના લીમખેડા અને ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ મથકમાં અલગ અલગ ચાર ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હોવાનું ખુલવા પામ્યું હતું.

Tags :