Gujarat

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર

By GS TEAM
14 Oct 20252 mins read
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને લૂંટી લેવા , તેમના સામાનની ચોરી કરવી, રેલવે સંપત્તિની ચોરી કરવી અથવા તો નુકસાન પહોંચાડવું, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો વેપાર કરવા સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે રેલવે પોલીસે ગઇકાલે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બનાવમાં સંડોવાયેલા બે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બન્ને આરોપીના તા.૨૯ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે ધરપકડ કરેલા આરોપી સુલતાન નિસાર ખાલપા અને ફરદીન ઇનાયતઅલી મકરાણીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, સિગ્નલ ફળિયાના નામથી જે ગેંગ બનાવવામાં આવી હતી, તેનો સૂત્રધાર હસન ઉર્ફે ટફન છે અને તે હાલ ફરાર છે.આ ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે, જેમાં લૂંટ, સ્નેચિંગ, સરકારી કર્મચારી પર હુમલો, દારૃ, પ્રોહિબિશન તેમજ ઢોરની ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.બનાવમાં સંડોવાયેલા અને હાલ ફરાર ચાર આરોપીઓની વિગતો મેળવવાની છે. આરોપીઓએ ગુનાઓ આચરી કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગુનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશના મેઘનગર ખાતે રેલવે સ્ટેશન પાસેની એક ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાં મુદ્દામાલનો ભાગ પાડી વેચવા બાબતે નિર્ણય લેતા હતા.

ટ્રેકને જોડતી પ્લેટને નુકસાન કરી પેસેન્જરોની જિંદગી જોખમમાં મૂકતા હતા

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રેનમાં ગુનાને અંજામ આપવા માટે આરોપીઓ રેલવે ટ્રેકમાં બે પાટાને જોડતી ફિસર પ્લેટને નુકસાન કરતા અથવા તો તેના નટ-બોલ્ટ ખોલી નાંખતા અને તેના કારણે ટ્રેન ડિરેલમેન્ટ થાય, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા હજારો પેસેન્જરોની જિંદગી ખતરામાં મૂકાતી હતી.

ટ્રેનની સ્પીડ ઘટાડવા માટે સિગ્નલ અને પ્રેશર કોકમાં ચેડાં કરતા હતા

ટ્રેનમાં ગુનાને અંજામ આપ્યા બાદ ફરાર થવા માટે આરોપીઓ ટ્રેનની સ્પીડ ઘટાડવા માટે પણ ખતરનાક  ટેકનિકનો ઉપયોગ કરતા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓ બે કોચની પ્રેશર કોક સ્લો કરી ટ્રેનની ઓટોમેટિક વેક્યુમ બ્રેક લગાવતા હતા. આ સ્થિતિમાં લોકોમોટિવ પાઇલોટ ધારે તો પણ સ્પીડ વધારી ન શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હતી. તેમજ બે પાટા વચ્ચે જ્યાં સિગ્નલનો કેબલ હોય છે, ત્યાં  ૧૦ અથવા  ૨૦નો સિક્કો મૂકી  રેડ સિગ્નલ કરી ગુનો આચરી ફરાર થઈ જતા હતા.