Get The App

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર

શ્રવણ અને ધવલ બિશ્નોઈ હવાલા મારફતે કરોડોના વ્યવહાર કરતા હતા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર 1 - image

વડોદરા : રાજ્યમાં દારૃ બંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૃ સપ્લાય કરી રાજ્યમાં દારૃની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગના વધુ સાગરીતની રાજસ્થાનના સાંચોર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આજે આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૧૨મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ ,હરિયાણામાંથી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં ફરાર બે આરોપીઓ, શ્રવણ કિશનરામ બિશ્નોઇ અને ધવલ પુનમારામ બિશ્નોઇ સાંચોરમાં હોવાની બાતમી મળતા પોલીસે આ બન્ને શખ્સને ઝડપી લીધા હતા. આજરોજ આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

રિમાન્ડ અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આ સંગઠિત ગુનાખોરીની ટોળકીએ વર્ષ ૨૦૧૯ પછી પ્રોહિબિશનના ૧૬ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે, જેમાં અંદાજે રૃ. ૫.૭૮ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો પકડાયો છે. આરોપી શ્રવણ બિશ્નોઈ ગોવાથી દારૃ ભરી ગુજરાતમાં ઘુસાડતો હતો, જ્યારે ધવલ બિશ્નોઈ આંગડિયા પેઢીઓ અને અન્ય સ્ત્રોત મારફતે નાણાકીય લેતી-દેતી સંભાળતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બિશ્નોઇ ગેંગના સાગરીતો અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૃ લાવવા માટે વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરતી અને ખોટા ઈ-વે બિલ તથા બિલ્ટીનો ઉપયોગ કરતી હતી. મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈ જેલમાં હોવા છતાં આ શખ્સોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આરોપીઓએ આ ગુનાહિત આવકમાંથી મિલકતો વસાવી છે કે કેમ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં નાણાંનો ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૧૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.