Gujarat

બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા

By GS TEAM
28 Jul 20251 min read
બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા

- વાસદ- તારાપુર હાઈવે ઉપર પંડોળી ગામમાં

- રૂા. 74.08  લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બંને શખ્સો વિરૂદ્ધ ગુનો

આણંદ : વાસદ- તારાપુર હાઈવે ઉપર પંડોળી ગામની સીમમાં કન્ટેનગરમાં બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બે શખ્સો આણંદ એલસીબીએ પકડયા હતા. કન્ટેનગરમાંથી રૂા. ૪૦.૯૫ લાખની દારૂની ૪,૩૯૨ બોટલો સહિત રૂા. ૭૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

આણંદ એલસીબી પોલીસ વાસદ- બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે પંડોળી ગામની સીમમાં દર્શન હોટેલના પાર્કિંગમાં કન્ટેનર ટ્રકમાં સામાનની આડમાં દારૂ સંતાડેલો છે. 

તેવી બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી ડ્રાઈવર સાથે અન્ય એક શખ્સ ઝડપાયો હતો. બંનેની પૂછપરછ કરતા કંપનીનો સામાન ભરેલો હોવાનું કહી બિલ્ટ્રી અને ઈ-વે બિલ રજૂ કર્યા હતા. બિલ્ટ્રી અંગે શંકા જતા કન્ટેનરમાં તપાસ કરતા પૂંઠાના બોક્સની વચ્ચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાંથી રૂા. ૪૦.૯૫ લાખના દારૂની ૨૬૮ પેટીઓમાં દારૂની ૪,૩૯૨ બોટલો, બે મોબાઈલ, પૂંઠાના બોક્સ સહિત રૂા. ૭૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા વસીમ જુમ્મા અલીમોહમ્મદ મેઉ (રહે. નશીરપુરી બડી મસ્જિદ પાસે, તા. પુનહાના, જિ. નૂહ) અને મુનફેદ આસમ જોમી મેઉ (રહે. લાહબાસ બાયપાસ રોડ, તા. પુનહાના, જિ. નૂહ હરિયાણા) વિરૂદ્ધ આણંદ એલસીબીની ફરિયાદના આધારે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરાયો હતો.