દારૃ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
દારૃનો જથ્થો અને કાર સહિત રૃા.૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા, તા.13 વડોદરા નજીક ધનિયાવી ગામ પાસેના રોડ પરથી દારૃનો જથ્થો ભરીને જતી એક કારને પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દારૃનો જથ્થો ભરેલી એક સિલ્વર કલરની એક કાર કુંઢેલાથી સુંદરપુરા ગામ તરફ જનાર છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે ધનિયાવી ગામની સીમમાં કેનાલ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન માહિતી મુજબની કાર આવતા તેને રોકી અંદરથી બે શખ્સોને નીચે ઉતાર્યા હતાં. પોલીસે બંનેના નામ પૂછતાં રાહુલ કમલેશ પાવા (રહે.દિવાળીપુરા ગામ) અને અમીન ઇબ્રાહિમ પઠાન (રહે.પામ જુમેરાહ સોસાયટી, દિવાળીપુરા) જાણવા મળ્યું હતું.
પોલીસે કારમાં તપાસ કરતાં વ્હીસ્કી, વોડકા અને બીયરની ૧૩૨ બોટલો મળી હતી. કુલ રૃા.૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બંનેની ધરપકડ કરી પ્રોહિબિશનના જથ્થા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.