Gujarat

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

By GS TEAM
14 Feb 20261 min read
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

- પોલીસની બાતમી આધારે કાર્યવાહી 

- પોલીસે બંને શખ્સો પાસેથી 7 હજારનો દારૂ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

આણંદ : બોરસદની અબીરનગર સોસાયટી ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને બોરસદ શહેર પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે આણંદ એલસીબી પોલીસે કરમસદ ખાતેથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. 

બોરસદ શહેરની અબીરનગર સોસાયટી વિસ્તારમાં રહેતો ઝાકીર હુસેન ઉર્ફે મંત્રી ઈલમોદ્દીન મલેક પોતાના ઘર સામે આવેલ ખુલ્લા પ્લોટ નજીકની જાળી ઝાંખરામાં વિદેશી દારૂ છૂપાવી રાખી વેચાણ કરતો હોવાની માહિતી બોરસદ શહેર પોલીસને મળતા પોલીસની ટીમે છાપો માર્યો હતો. જેમાં ઝાકીર હુસેન ઇલમોદ્દીન મલેક ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા ૩૦૦૦ની કિંમતનો વિદેશી દારૂ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

બીજા બનાવમાં આણંદ પાસેના કરમસદ ગામના પંચવટી વિસ્તારમાં રહેતો મહેન્દ્ર જીવણભાઈ તળપદા કરમસદના ગોલ્ડન ઓક કોમ્પ્લેક્સની બાજુમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળતા પોલીસે છાપો મારીને મહેન્દ્ર જીવણભાઈ તળપદાને રૂ. ૪૮૧૦ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેને વિદ્યાનગર પોલીસના હવાલે કરતા વિદ્યાનગર પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.