રૃા.100 ના દરના 10,000 બનાવટી સ્ટેમ્પ પેપર સાથે બે પકડાયા
જેલમાં મુલાકાત થઇ તે વિજય નામક વ્યક્તિના કહેવાથી બોગસ સ્ટેમ્પનો જથ્થો લઇને નીકળતા પુણા કેનાલ રોડ પર ઝડપાઇ ગયા
સુરત, તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવાર
પુણા પોલીસે ગત મળસ્કે પુણા કેનાલ રોડ પોલરાઇઝ શોપિંગ સેન્ટર પાસેથી એક કારમાં બે યુવાનોને રૃ.100 ના દરના 10,000 બનાવટી સ્ટેમ્પ પેપર સાથે ઝડપી લીધા હતા.
પોલીસ
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા પોલીસ મથકના કોન્સ્ટેબલ મનુભાઈ
ખાતુભાઈને મળેલી બાતમીના આધારે ટીમે ગત મળસ્કે પુણા કેનાલ રોડ પોલરાઇઝ શોપિંગ
સેન્ટર પાસે એક કાર (નં. જીજે 05 આરએચ
2158 ) માંથી મનોજ કાંતિભાઈ નારોલા (ઉ.વ.43,
રહે. 202, સાંઇ એવન્યુ એપાર્ટમેન્ટ, આંબાતલાવડી, કતારગામ, સુરત.
મૂળ રહે. અમરેલી) અને હરેશભાઈ કનુભાઈ ગજેરા (ઉ.વ.48, રહે.401,
શુકુનવેલી, કઠોદરા ગામ, કામરેજ,
સુરત. મૂળ રહે. અમરેલી) ને રૃ.100 ના દરના અલગ અલગ સિરિઝના 10,000 બનાવટી સ્ટેમ્પ પેપર સાથે ઝડપી લીધા હતા. 3 મોબાઇલ અને કાર મળી કુલ
રૃા5.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
અગાઉ કોસંબામાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવ્યા બાદ તે ધંધો બંધ કરી કાપડના ધંધામાં ઝંપલાવનાર બંનેને ચેક રીટર્ન અને છેતરપિંડીના ત્રણ કેસમાં જેલભેગા કરાયા હતા. મનોજ અને તેના કાપડદલાલ મિત્ર હરેશની જેલમાં વિજય નામક વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી. વિજય બનાવટી સ્ટેમ્પ પેપર બનાવવાનો વેપલો કરે છે. તેણે આ બંનેને સારુ કમિશન આપવાની લાલચ આપી જેલમાંથી છુટયા બાદ સંપર્ક કરવા કહયું હતું. બંને બે મહિના પહેલા જેલમાંથી છુટીને વિજયને મળ્યા હતા. અને તેના કહેવા મુજબ બંને બનાવટી સ્ટેમ્પ પેપર આપવા નીકળ્યા હતા તે સમયે પકડાઇ ગયા હતા.
પોલીસ પુછપરછ છતા બંને પાસેથી વિજયની ચોક્કસ માહિતી મળી નહોતી. વિજયે આપેલુ સરનામું પણ ખોટું હતું. પોલીસે બંનેના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે. વધુ તપાસ પુણા પીઆઇ એમ વી કિકાણી કરી રહ્યા છે.