3 લાખ લઇ લગ્ન કર્યા બાદ 3 દિવસમાં રફૂચક્કર થઇ ગઇ હતી
વિવિધ જિલ્લાઓમાં ૧૫ પુરૂષો સાથે લગ્નનું નાટક કરી ખંખેર્યા હતા, બહુચરાજી પોલીસે ઝડપી લીધા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો
ગત તા. ૨૨-૧૧-૨૫ ના રોજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ રાજુભાઈ જીવરામભાઈ ઠક્કર અને ચાંદની રમેશભાઈ ઠાકોર (રહે. બંને અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા રાહુલ સાથે ચાંદનીના લગ્ન કરવાના ખર્ચ પેટે રૂ ત્રણ લાખ લીધા હતા રાજુભાઈ ઠક્કરે ચાંદની સાથે લગ્ન કરાવી આપ્યા હતા. અને બાદમાં ચાંદની ત્રણ દિવસ રોકાઈ પિતાનું મોત થયાનું બહાનું બનાવી ગયા બાદ પરત ફરી ના હતી. બી. ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
દરમિયાન લુંટેરી દુલ્હન અને તેનો સાગરિત બંને બચુચરાજી પોલીસની ઝપટમાં ચડી ગયા હતા. યુવતીએ દિયોદર તાલુકાના લુંન્દ્રા, ઇડર તાલુકાના અરોડા, સમી તાલુકાના દુદખા, બાળવા, રાજકોટ, અમદાવાદ અને ઇડર તાલુકાના રામપુર, વેરાવળ, કપડવંજ તાલુકા, બહુચરાજી તાલુકા તેમજ પાટણ, મોરબી અને ગાંધીનગર સહિતના સ્થળોએ ૧૫ જેટલા પુરુષો સાથે લગ્નનું નાટક રચી ઠગાઈ કર્યાનું ખુલ્યું છે, મોરબી બી. ડિવિઝન પોલીસે બંને આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યા છે.


