જામનગરના ઢોલીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : એક તસ્કર સહિત બેની અટકાયત
Jamnagar Theft Case : જામનગરમાં વામ્બે આવાસના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24 માં રહેતા એક ઢોલીના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરમાં વામ્બે આવાસના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24 માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્નીને તેણીના કુટુંબીને ઘેર મૂકી આવ્યા હતા. દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા 20,000 ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હતા. જે સમગ્ર મામલો સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી.ડિવિઝન પોલીસની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 10,500 ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,700 ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.