Get The App

જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રખાતા દરોડો, બે ઝડપાયા

- NSUI પહોંચે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ

- જાહેરનામા ભંગ બદલ સંચાલક, આચાર્ય સામે કાર્યવાહી

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રખાતા દરોડો, બે ઝડપાયા 1 - image


સ્કૂલની માન્યતા શા માટે રદ ન કરવી તે બાબતે ડીઈઓ કચેરી દ્વારા નોટિસ

રાજકોટ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર

ગાંધીગ્રામના મોચીનગર-૬માં સ્થિત શ્રી જ્ઞાાનદીપ વિદ્યાલયમાં શિક્ષણકાર્ય ચાલુ હોવાની માહિતીના આધારે આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો ધસી ગયા હતા. પરંતુ તે પહેલાં જ ગાંધીગ્રામ પોલીસે પહોંચી જઈ સ્કૂલનાં પ્રિન્સિપાલની અટકાયત કરી લીધી હતી. બાદમાં સ્કૂલનાં સંચાલકની પણ જાહેરનામા ભંગ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

શ્રી જ્ઞાાનદીપ વિદ્યાલયમાં છેલ્લા દસેક દિવસથી ધો.૧૨નાં ૨૦ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવાતા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ સુધી ફરિયાદ પહોંચાડતા આજે સવારે તેનાં કાર્યકરો સ્કૂલે ધસી ગયા હતા, પરંતુ તે પહેલાં પોલીસને માહિતી મળી જતાં પીઆઈ કે. એ. વાળાએ ત્યાં જઈ અભ્યાસ બંધ કરાવી વિદ્યાર્થીઓને રવાના કરી દીધા હતા. 

સાથોસાથ સ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ ઉદેસિંહ ચાવડા (રહે. પોપટપરા મેઈન રોડ)ની અટકાયત કરી હતી. તેને લઈ પોલીસ રવાના થતી હતી ત્યાં એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા હતા. તેમણે સ્કૂલના સંચાલકની ચેમ્બરમાં જઈ અડધો કલાક સુધી હલ્લાબોલ કર્યો હતો.

પરિણામે સ્કૂલના સંચાલકે સીસીટીવી ફૂટેજ આપવા પડયા હતા. જેમાં ફરિયાદ કરનાર બે છાત્રો સિવાય ૧૮ છાત્રો અભ્યાસ કરવા આવ્યાની પુષ્ટી થઈ હતી. જો કે આ પુરાવા ઉપરાંત એનએસયુઆઈનાં કાર્યકરોએ છાત્રો અભ્યાસ કરતા હોય તેનો વીડિયો પણ મેળવી લીધો હતો. 

જેને કારણે સ્કૂલનાં સંચાલકે પછી કાંઈ બચાવ કરવા જેવું રહ્યું ન હતું. તેણે સ્વીકાર્યું કે, ધો.૧૨નાં વીસેક છાત્રોને ઓનલાઈન અભ્યાસની સુવિધા ન હોવાથી છેલ્લા દસેક દિવસથી તેમને સ્કૂલે બોલાવાતા હતા.

ગાંધીગ્રામ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ ઉપરાંત સંચાલક નરેન્દ્રસિંહ રઘુભા પરમાર (રહે. પુનિતનગર-૨, જામનગર રોડ)ને પણ બોલાવી લઈ તેની પણ ધરપકડ કરી હતી. 

મામલો ડીઈઓ કચેરી સુધી પહોંચતા હવે સ્કૂલનાં સંચાલકને નિયમોના ભંગ બદલ શાળાની માન્યતા શા માટે રદ્દ ન કરવી તે બાબતે નોટિસ આપી ત્રણ દિવસમાં રૂબરૂ, પુરાવાઓ આપી ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.

Tags :