અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં જોખમી કચરો ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે ઝડપાયા
Ankleshwar GIDC : વાલીયા- નેત્રંગ રોડ પરથી ડમ્પરમાં માટી જેવો હેઝાર્ડ્સ વેસ્ટ (જોખમી કચરો) ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે શખ્સોને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એ વન કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં કાળા કલરનું વેસ્ટ ભરીને નેત્રંગ તરફ જવાનું છે. જેના આધારે વાલીયા નેત્રંગ રોડ પર બાપા સીતારામ મંદિરની સામે વોચ ગોઠવી બાતમી મુજબનું ડમ્પર પસાર થતા તેને ઝડપી પાડ્યું હતું. જેમાં સોલિડ વેસ્ટ, ઓયલી વેસ્ટ તથા ફ્લાયસ ભરેલ જથ્થો મળી આવ્યો હતો. ડમ્પર ચાલક પાસે તેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે 7.2 ટન વજનનો હેઝાર્ડ્સ વેસ્ટ તથા ડમ્પર સહિત કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગણેશ મહેશભાઈ વસાવા અને મનોજ મનસુખભાઈ વસાવા (બંને રહે-ઉમરવાડા, સુરત)ની અટકાયત કરી હતી.