એકના ચારની લાલચ આપી 50 હજારની ઠગાઈ કરનાર બે ઝડપાયા

સોશિયલ મીડિયામાં જાહેરાત કરી લોકોને છેતરતા હતા
50 હજારની રોકડ અને કાર સહિત રૂા.ર.પ૦ લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી પોલીસ ચોપડે ચડી ચુકયો છે
ધરપકડ કરાયેલામાં શૈલેષ કેશુભાઈ સીપરીયા (ઉ.વ.૩૭, રહે. ગુ.હા.બોર્ડ, અમરનગર શેરી નં.૧, દૂધસાગર રોડ) અને જગદિશ હિરજીભાઈ પીપરીયા (ઉ.વ.૪૩, રહે. રાધામીરા સોસાયટી, સેટેલાઈટ ચોક, મોરબી રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે નવાગામ આણંદપરમાં રહેતો મુકેશ દુધરેજીયા (ઉ.વ.રપ)ને વોટસએપમાં ફોન કરી આરોપીઓએ એક લાખ રૂપિયા આપો તો તમને ચાર લાખ રૂપિયા આપીશું તેમ કહી લાલચ આપી ગઈ તા.રપનાં માલિયાસણ ગામ પાસે બોલાવ્યો હતો.
બાદમાં આરોપીઓએ પ૦ હજારના બે લાખ આપીશું તેમ કહી મુકેશ પાસેથી રૂા.પ૦ હજાર લઈ કારમાં ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે તપાસ કરી બંને આરોપીઓને પકડી લઈ ફ્રોડમાં ગયેલી પ૦ હજારની રોકડ અને કાર મળી ર.પ૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી શૈલેષ અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આરોપીઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડીયામાં આઈડી બનાવી લોકોને એકના ચાર ગણા રૂપિયા આપવાની લોભામણી જાહેરાત કરી છેતરપિંડી આચરતા હતા.

