ગઢડા (સ્વા.)માં એક કલાકમાં મુશળધાર સવા બે ઈંચ વરસાદ
- સિઝનનો કુલ વરસાદ 22 ઈંચને વળોટી ગયો
- કપાસના સારા પાકની આશા વચ્ચે વરસાદી માહોલથી હવે અતિવૃષ્ટિનો ભય, ખેડૂતોમાં ચિંતાની લહેર
ગઢડા : ગઢડા (સ્વામિના)માં સતત વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે એક કલાક સુધી મુશળધાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. સરકારી નોંધ પ્રમાણે દિવસ દરમિયાન ૬૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ગઢડા (સ્વામીના) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે ૧૬ જૂનથી ચોમાસાની વિધિવત સમયસર શરૂઆત થવા પામી છે. આ ચોમાસાના પ્રથમ વરસાદે મોટાભાગના નદી નાળા છલકાઈ જતા ધરતીપુત્રો સારા વર્ષની આશાથી ખુશખુશાલ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદી વાતાવરણ અને વરસાદના ઝાપટા લોકોને ભીંજવી રહ્યા છે. જેના પરિણામે સિઝનનો કુલ ૫૬૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.
અલબત્ત, સતત પડી રહેલા વરસાદના કારણે હવે અતિવૃષ્ટિના ભય વચ્ચે ખેડૂતોમાં ચિંતાની લહેર ઉઠવા પામી છે. ગઢડા તાલુકો મોટાભાગે કપાસના વાવેતર ઉપર નિર્ભર છે ત્યારે વાવણી અને સારા વરસાદ પછી ખેતરમાં કપાસના સારા પાકની આશા વચ્ચે અતિવૃષ્ટિના કારણે નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.