ઝાપટાંથી લઈને અઢી ઈંચ મેઘમહેરથી શુકન સચવાયું : માંડવીમાં ધોધમાર અઢી ઈંચ
આષાઢી બીજે મેઘાવી માહોલ
નખત્રાણામાં પોણો અને ભુજમાં ઝાપટું વરસ્યું : પશ્ચિમ કચ્છમાં ગત રાત્રિના અડધાથી બે ઈંચ : નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઈંચ વરસાદ
જિલ્લામાં અષાઢના પ્રારંભે મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર શુક્રવારના સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીના ૧૪ કલાકમાં માંડવીમાં ૫૯ મી.મી., નખત્રાણામાં ૧૭ મી.મી. અને ભુજમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે. ગત રાત્રિના નખત્રાણામાં પોણા બે ઈચ, અબડાસા અને લખપતમાં એક-એક તથા ભુજમાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
માંડવીમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ બપોરે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. અઢી ઈંચ પાણી વરસી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના આઝાદ ચોકમાંથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માંડવી તાલુકાના મોડકુબા, મકડા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
જિલ્લા મથક ભુજમાં સવારથી આકાશ ગોરંભાયેલુ હતું. ઝરમર છાંટા પડયા હતા. બપોરે ઝાપટું પડયું હતું. સામાન્ય વરસાદમાં છઠ્ઠીબારી રીંગ રોડ, બસ સ્ટેશન રોડ, વિજયરાજજી લાયબ્રેરી સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા. લોકોને હાલાકી પડી હતી. ગત રાત્રિના સવા બાર વાગ્યે તેજ ગતિએ પવન ફૂંકાયા બાદ ઝાપટું વરસ્યું હતું. અડધો ઈંચ વરસાદ પડયો હતો. ભારે પવન અને વરસાદના પગલે વિજ વિક્ષેપ સર્જાયો હતો. દિવસભર ઉપલીપાળ રોડ સહિતના વિસ્તારોમાં લાઈટની આવ-જાવ વચ્ચે લોકો અસહ્ય બફારાથી અકળાયા હતા. તેમજ ગત રાત્રિના ભારે પવન સાથે વરસાદના કારણે શહેરના એ ડિવિઝન પોલીસ મથક પાસે, સ્વામિનારાયણ મંદિર નજીક વીજ પોલ નમી ગયો હતો. તેને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરાઈ હતી. તાલુકાના કોટડા-ચકાર, થરાવડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગત રાત્રિના ખાવડા ગામે વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું.
નખત્રાણામાં પાણો ઈંચ વરસાદ પડયો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ગત રાત્રિના પોણા બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. તેમજ તાલુકાના ટોડિયા, કોટડા (જ), ખાભલા, ઐયર, રવાપર સહિતના ગામોમાં જોરદાર ઝાપટાંથી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. દિવસે વિથોણ, દેવપર યક્ષ, આવડધામ, વીજપાસર ગામોમાં વરસાદી માોહલ જામ્યો હતો.
અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ગત રાત્રિના એક ઈંચ વરસાદ પડયો હતો. દિવસે તાલુકાના સિંધોડી ગામે વરસાદી ઝાપટું વરસ્યું હતું.
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ગત રાત્રિના એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. મુુંદરા તાલુકાના દેશલપર કંઠી, કણજરા ગામોમાં વરસાદ વરસ્યો હતો.