અસાધ્ય રોગોની સારવારના નામે લાખોની ઠગાઈનું અનેક શહેરોમાં નેટવર્ક, ડો.વારસીના બે એજન્ટ પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં અસાધ્ય રોગોની ગેરંટી સાથે સારવારના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર કથિત ડોક્ટર વારસીના બે સાગરીતોને પોલીસે છટકું ગોઠવી ઝડપી પડ્યા છે. સૂત્રધાર પકડાય તો બીજા પણ શહેરોમાં ચાલતા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
સમા સાવલી રોડ પર પાવર ગ્રીડ નિકેતન ટાવરમાં રહેતા અને હાલમાં ડીસા ખાતે ફરજ બજાવતા ચીફ મેનેજર ગોપાલ રાઠોડને સ્કીનની તકલીફ હોઈ અને ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. દરમિયાનમાં એક એજન્ટે પોતાનો પરિચય આપી આવો જ રોગ યુનાની સારવાર કરતા ડો વારસીએ મટાડ્યો હોવાનું કઈ તેમનો કોન્ટેક નંબર આપ્યો હતો.
અધિકારીએ સંપર્ક કરતા વારસી ત્રણ દિવસમાં તેમને ત્યાં આવી ગયો હતો અને શરૂઆતમાં એક કીડો કાઢી આપ્યો હતો. તેણે એક કીડાના 3,000 નક્કી કરી પહેલા દિવસે દોઢ લાખના કીડા કાઢ્યા હતા. ત્યારબાદ તેણે 10.50 લાખમાં સારવાર કરી હતી.
રાજસ્થાનનો વારસી તેના મળતીયાઓને દવાની ડિલિવરી માટે મોકલતો હતો. અને દવા પેટે ત્રણ લાખ તેમજ દસ લાખ જેટલી રકમ પડાવી લેતો હતો. આમ અધિકારીએ કુલ 25.43 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને કોઈ ફેર નહીં પડતા પોલીસ ફરિયાદ કરી હતી.
સમા પોલીસે આ ફરિયાદને આધારે દવા આપવા માટે આવતા સાબીર હુસેન મહંમદ ખરીદ અને આસિફ હનીફ શેખ (બંને રહે.કોટા,રાજસ્થાન)ને છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. બંને જણાએ તેઓ ડોક્ટર અબ્બાસ મારફતે ડોક્ટર વારસીના સંપર્કમાં આવ્યા હોવાની અને વારસીના કહેવાથી દવા આપવા આવતા હોવાની કબુલાત કરી તેઓને એક ફેરાના 10 હજાર રૂપિયા મળતા હોવાની પણ વિગતો ખુલી છે. જેથી પોલીસે અબ્બાસ અને વારસીની શોધખોળ જારી રાખી છે.









