સામાન્ય બાબતમાં ગળાના ભાગે ચાકુનો ઘા ઝીંકી મિત્રની હત્યા કરનાર રીઢા આરોપી સહિત બે ઝડપાયા
મૃતક યુવાન માતા - પિતાના નિધન બાદ એકલો હોય આમલેટની લારી ઉપર કામ કરી ગુજરાન ચલાવતો હતો
કોઠી સરકારી પ્રેસની સામે મોપેડ સવાર ત્રણ મિત્રો પૈકી બે મિત્રો વચ્ચે ટપલીદાવની મજાકમાં થયેલ તકરારમાં આવેશમાં આવી એક મિત્રએ બીજાને ગળાના ભાગે ચાકુનો ઘા ઝીંકી મોત નિપજાવી ફરાર થઈ જતા પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આજે વહેલી સવારે રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે સરકારી પ્રેસની સામે રસ્તા ઉપરથી એક અજાણ્યા વ્યક્તિની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. મૃતકના ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે ઘા ના નિશાન હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં પરિવારજનો પહોંચતા મૃતક 26 વર્ષીય યશ ભરતભાઈ ઠાકુર હોવાનું બહાર આવ્યું હતું. યશની માતાનું 25 વર્ષ અગાઉ નિધન થયું હતું. ત્યારબાદ વર્ષ 2023માં યશના પિતાનું પણ નિધન થયું હતું. યશ દિવાળીપુરાના સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતો હતો, અને તરસાલી બસ સ્ટેન્ડ પાસે આવેલી આમલેટની લારી ઉપર કામ કરતો હતો. આ અંગે મૃતકના પિતરાઈ ભાઈ કૌશિક ઠાકુરએ અજાણ્યા હત્યારા વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ 103(1) તથા જીપીએ 135(1) મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનાની તપાસમાં રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી ટીમના ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઇની અલગ અલગ ટીમો કામે લાગી હતી. અને ત્રણથી ચાર કલાકમાં તરસાલી વિસ્તારમાંથી ઘટનાને અંજામ આપનાર ભીમબહાદુર ઉર્ફે ભીમ ગોપાલબહાદુર સોની (રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી /મૂળ રહે - નેપાળ) અને મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી(રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી)ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
મોપેડ ઉપર થયેલ ટપલીદાવની મજાક હત્યામાં પરિણમી
મેહુલ અને ભીમ બહાદુર યશને લઈ તરસાલી વિસ્તારમાં મોડી રાત સુધી બેઠા હતા. રાત્રે ત્રણ ચાર વાગ્યાના અરસામાં ભીમ બહાદુરના ભાઈની લારી સયાજી હોસ્પિટલ બહાર હોય ત્રણેવ ત્યાં ચ્હા પીવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે મજાકમાં ભીમ બહાદુર અને યશ વચ્ચે ઝઘડો થતા યશે અપશબ્દો કહેતા ભીમબહાદુરએ સરકારી પ્રેસ પાસે મોપેડ ઊભી રખાવી યશ સાથે ઝઘડો કરી આવેશમાં આવી યશના ગળા નીચે છાતીના ભાગે ચાકુનો ઘા ઝીંકી દેતા યશ સ્થળ પર ફસડાઈ પડતા બંને આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

ગુનાહિત ઇતિહાસ ધરાવતો ભીમ બહાદુર સગીર વયથી જ ઝનૂની સ્વભાવનો
મુખ્ય આરોપી ભીમ બહાદુર વિરુદ્ધ પ્રોહિબિશન, મારામારી સહિત 8 ગુના નોંધાયા છે. ભીમ બહાદુર સગીર વયનો હતો ત્યારે મકરપુરામાં હત્યાના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવતા તેને રિમાન્ડ હોમમાં ધકેલ્યો હતો. બે વખત પાસા પણ ભોગવી ચુક્યો છે.
મોપેડ અને ચાકુ કબ્જે કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
એસીપી ક્રાઈમ એચ.એ.રાઠોડ માહિતી પુરી પાડી હતી કે, યશની બને આરોપીઓ સાથે ઘણા સમયથી મિત્રતા હતી, હાલ મજાકમાં થયેલ માથાકૂટ સિવાય અન્ય કોઈ કારણ સામે આવ્યું નથી, સીસીટીવીમાં પણ આ બે જ આરોપીની ગતિવિધિ છે, તેમ છતાં અન્ય કોઈ કારણ છે કે કેમ ? તે જાણવા તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ મોપેડ અને ચાકુ કબ્જે કરવા આવતીકાલે આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે, હાલ ગુનાની વધુ તપાસ રાવપુરા પી.આઇ. કરી રહ્યા હોય આરોપીનો કબ્જો રાવપુરા પોલીસને સોપ્યો છે.