મિત્રની પત્ની સાથેના પ્રેમસંબંધને લઈને રચાયેલા કાવતરા હેઠળ મિત્રની હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૧માં બનેલા આ હત્યાકાંડમાં મૃતક અતુલ રમેશ પાટણવાડીયાની હત્યા બાદનાં તમામ પુરાવાઓના આધારે કોર્ટે હુકમ કર્યો છે.
અતુલ પાટણવાડીયા કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ તે ગુમ થયો હતો. બાદમાં તેની લાશ સેવાસી ગામની સીમ વિસ્તારમાં મળી આવી હતી. તેની પાસે રહેલ સોનાના દાગીના, મોબાઇલ ફોન સહિત રૂ. પ.૭૭ લાખની મતા મળી ન આવતા વડોદરા તાલુકા પોલીસ મથકે હત્યા તથા લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
કેસની સુનાવણી દરમિયાન ખુલ્યું કે, અતુલની પત્ની સાથે આરોપી સચિનનો પ્રેમસંબંધ હતો. આથી રોષે ભરાયેલા સચિને સાગર સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. દારૂની પેટી લેવા જવાનું કહી અતુલને કારમાં સેવાસી ગામની સીમમાં લઈ ગયા હતા. ત્યાં સચિને તારી પત્ની સાથે મારે પ્રેમ સંબંધ હોય તું કેમ મારઝૂડ કરે છે કહી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો અને સાગરે ચાકુના ઘા ઝીંકીને અતુલની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો હતો. પરંતુ સાક્ષીઓએ મૃતક સાથે કારમાં બંને આરોપીઓને જતા જોયા હતા અને અદાલત સમક્ષ તેમને ઓળખી બતાવ્યા હતા. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે અધિક સેસન્સ જજ શકુંતલા નરેશકુમાર સોલંકીની અદાલતે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી.


