Get The App

રિક્ષા ચાલક સહિત બે આરોપીએ છરી બતાવી ત્રણ યુવાનોને લૂંટી લીધા

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
રિક્ષા ચાલક સહિત બે આરોપીએ છરી બતાવી ત્રણ યુવાનોને લૂંટી લીધા 1 - image

આરોપીઓ આજી ડેમ પોલીસના સકંજામાં

મહિલા કોલેજ અન્ડરબ્રિજ નજીક શ્રમિકને છરી બતાવી લૂંટી લેનાર રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ

રાજકોટ: મૂળ રાજસ્થાનના અને હાલ પેડક રોડ પરની સીતારામ સોસાયટી શેરી નં.૧માં રહી ફર્નિચર કામની મજુરી કરતાં જસારામ જાટ (ઉ.વ.ર૦) અને તેના બે સંબંધીને રિક્ષામાં બેસાડી લુંટી લેનાર ગેંગ આજી ડેમ પોલીસના સકંજામાં આવી ગઈ છે. આ ગેંગ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે. 

ફરિયાદમાં જસારામે જણાવ્યું છે કે ગઈ તા.૧૯ના રોજ બપોરે મોટાબાપુના પુત્ર ડાલુરામ અને ફઈના પુત્ર વિશનારામ સાથે ફર્નિચરનો સામાન લેવા માટે નીકળ્યો હતો. ભાવનગર રોડ પરથી આજી ડેમ ચોકડી જવા માટે રિક્ષામાં બેઠા હતા. તે વખતે રિક્ષાની પાછળ અજાણ્યો શખ્સ પણ બેઠો હતો. 

આજી ડેમ ચોકડી પહોંચ્યા બાદ ચાલકે મહિકા તરફ રિક્ષા વાળી હતી. જેથી તેને ટપારતાં ગાળો ભાંડયા બાદ નીચે ઉતારી દીધા હતા. ત્યાર પછી રિક્ષામાં પાછળ બેઠેલા શખ્સે છરી બતાવી તેનું સોનાનું પેન્ડન્ટ, મોબાઈલ ફોન, તેના મોટાબાપુના દિકરા અને ફઈના દિકરાનો પણ મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ પછી રિક્ષા ચાલક અને તેનો સાગરીત જતા રહ્યા હતા. 

તેણે નંબર જોઈ લેતાં કુવાડવા રોડ પોલીસને આપ્યા હતા. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડે તે પહેલાં આજી ડેમ પોલીસે સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. 

બીજી તરફ આજી ડેમ ચોકડી પાસે રહેતાં અને મેટોડાની ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરતાં મહમદઈલ્યાસ (ઉ.વ.૪૦)ને રિક્ષામાં બેસાડી મહિલા કોલેજ અન્ડરબ્રિજ નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ છરી બતાવી તેનો મોબાઈલ ફોન અને રૂા.૧ હજારની લૂંટ ચલાવનાર આરોપીઓ હિતેષ વાલજી ડાભી (ઉ.વ.રપ, રહે. અવધનો ઢાળિયો) અને આશીષ હરેશ ગોહેલ (ઉ.વ.ર૮, રહે. કુવાડવા ગામ)ને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમારે ઝડપી લઈ ગુનામાં વપરાયેલ રિક્ષા, આરોપીઓના બે મોબાઈલ ફોન, ફરિયાદીનો મોબાઈલ ફોન અને રૂા.૧ હજારની રોકડ રકમ કબજે કરી હતી. આરોપી હિતેષ સામે સાયલામાં દારૂનો જયારે આરોપી આશિષ સામે કુવાડવા અને પડધરી પોલીસમાં દારૂ અને મારામારીના ગુના નોંધાઈ ચુકયા છે. પોલીસે જણાવ્યું કે આરોપી હિતેષ રિક્ષા ડ્રાઈવર છે. બીજો આરોપી આશિષ છૂટક મજુરી કરે છે.