ગીરો મિલકત ખાલી કરાવવા મુદ્દે હત્યા કેસમાં બે આરોપીના જામીન રદ
એક વર્ષ પહેલા ડીંડોલી સંતોષી નગરમાં મુખ્ય આરોપી સુલતાન ઉર્ફે બંબૈયા સહિત 16 શખ્સોએ હત્યા કરી હતી
સુરત,તા.1 લી આગષ્ટ 2020 શનિવાર
આજથી
એકાદ વર્ષ પહેલાં ગીરો મિલકત ખાલી કરાવવાની અદાવતમાં ડીંડોલી સંતોષીનગરના ગુલાબ
ઉર્ફે ગુલીયા સોલંકીની હત્યાન ગુનાઈત કારસામાં સંડોવાયેલા 16 પૈકી બે આરોપીઓએ
કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજે નકારી કાઢી છે.
નવાગામ ડીંડોલી ખાતે સંતોષીનગરમાં રહેતા ફરિયાદી મહેન્દ્ર દાનજી સોલંકીએ પોતાની મકાનનો અમુક હિસ્સો ઉન પાટીયા ખાતે રહેતા મુખ્ય આરોપી સુલતાન ઉર્ફે બંબૈયા ગુલામનબી શેખ પાસે ગીરવે રાખ્યો હતો. જે ગીરો મિલકત ખાલી કરવાની તકરારમાં આરોપી સુલતાન ઉર્ફે બંબૈયા સહિત 16 જેટલા આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને તા.30-3-19ના રોજ પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને ફરિયાદીના ભાઈ ગુલાબ ઉર્ફે ગુલીયા સોલંકી પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી.
આ કેસમાં ડીંડોલી પોલીસે જેલભેગા કરેલા આરોપી મોહમદ સાબીર તથા મોહમદ સાજીદ ઈસરાર અન્સારીએ જામીન માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીએ એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહેવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી અન્સારી બંધુઓની જામીનની માંગને નકારી કાઢી હતી.