- મુખ્ય ભૂમિકા કોની હતી તે ગતિમાં તપાસ તેજ બનશે
- કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષક અને અન્ય મોટા માથાઓ સુધી પહોંચવામાં પોલીસનો પન્નો ટુંકો પડયાનો આક્ષેપ
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી સીમ વિસ્તારમાં આવેલી જમીન સંદર્ભે આચરાયેલા કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરતા મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા હવે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઉલટતપાસ કરવામાં આવશે.
વાંઠવાડી જમીન કૌભાંડ મામલે પોલીસ ચોપડે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ભરતભાઈ બેચરભાઈ પરમાર જેઓ વાંઠવાડીના રહેવાસી છે અને વિમળાબેન બેચરભાઈ પરમાર જેઓ જોર ગામના રહેવાસી છે, તે બંનેની અટકાયત કરી હતી. જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનામાં સંડોવણી ખુલતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આગળની તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી હતી કે, આ જમીન કૌભાંડમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે, તેમજ બનાવટી દસ્તાવેજો કે અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે. કોર્ટે પોલીસની રજૂઆતને ધ્યાને લઈ ભરતભાઈ પરમાર અને વિમળાબેન પરમારના ૧ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આ જમીન કૌભાંડમાં કોની મુખ્ય ભૂમિકા હતી અને આથક વ્યવહારો કેવી રીતે થયા હતા તે દિશામાં તપાસ આગળ વધારશે. બીજીતરફ આ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષક અને અન્ય કેટલાક મોટા માથાઓ સુધી પહોંચવામાં પોલીસનો પન્નો ટુંકો પડયો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. નબળા આરોપીઓને પકડી અને જે આખા કૌભાંડના માસ્ટર માઈન્ડ છે, તેવા આરોપીઓને છાવરવા માટે પોલીસ અને વહીવટી પ્રશાસન પ્રયાસ કરી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ નાગરિકો કરી રહ્યાં છે.


