ડાકોરના બોરડી પાસે રોડ પરના ખાડાંથી બે દિવસમાં બે અકસ્માત
- મહુધા રોડ પર ખાડાંથી લોકોને શારીરિક, આર્થિક નુકસાન
- ખાડા અંગેની જાણ કરવા છતા ડાકોર માર્ગ મકાન વિભાગે કે કોન્ટ્રાક્ટરે તસ્દી ના લીધી
અમદાવાદ વસ્ત્રાલના પાંચ યુવાનો ડાકોરના ઠાકોરજીના દર્શન કરી પરત ફરતા ડાકોર- મહુધા રોડ પર બોરડી ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે રોડ પરના ખાડામાં પટકાતા કાર કાંસમાં ખાબકી હતી. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે કારમાં સવાર બે યુવાનને ગંભીર ઈજાઓ સાથે પાંચેય ઈજાગ્રસ્ત બન્યા હતા. ગત સોમવારે ઈકો ગાડી આ જ ખાડાને કારણે ઉછળી ડિવાઈડર પરના સાઈનબોર્ડ તોડીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં પણ ઈકોમાં સવાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે સીએનજી પમ્પના માલિકે ડાકોર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મહેન્દ્રભાઈ ઝાલાને ખાડો પૂરાવવા જાણ કરી હોવા છતાં અધિકારીઓ આ તરફ ફરક્યા પણ નથી. રોડના કોન્ટ્રાક્ટરને પણ કહેતા તેણે પણ મારૂ કામ નથી કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
આ બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારી મહેન્દ્રભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, ખાડા બાબતે કોઈ જાણ કરવામાં આવી નહોતી, કામ કરતી એમએસ ખુરના એજન્સીની ભૂલ બતાવી હતી. કેટલાના ખર્ચે રોડ બન્યા સંદર્ભે પૂછતાં ખેડા, મહેમદાવાદ, નડિયાદ અને ડાકોરના ચાર સબડિવિઝનનું ટેન્ડર ભેગું હતું. જેથી મને ખબર નથી. હું હમણાં જ આવ્યો છું. સબ ડિવિઝનમાં તાપસ કરવી પડે તેમ જણાવ્યું હતું.
આ બાબતે એમએસ ખુરના એજન્સીના સુપરવાઈઝર કેતનભાઈએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઇકો ગાડી ડિવાઈડર કૂદી ગઈ હતી અને ત્યારે મને સીએનજી પંપના મલિકે જાણ કરી હતી અને ત્યારે અમે વેડમિક્સ નાખી ખાડો પુરાવ્યો હતો. ગઈકાલે અન્ય ગાડી એ જ ખાડામાં પડી હતી. પણ તેમની સ્પીડ ખુબજ હતી. જેથી તેમની ગાડી ખુબજ જોરથી ઝાડો સાથે ટક્કર વાગતા ટોટલ લોસ થઈ ગઈ હતી. હાલ ડામર કામ બંધ હોવાથી વેડમિક્સ નાખી ખાડા પુરાયા છે.