ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા

- શેરડીના સાંઠાનું વ્યાપક વેચાણ થયું
- પરા દરવાજાથી રામજી મંદિર વચ્ચે ટ્રેડિશનલ ડ્રેશમાં હુડો રાસની રમઝટ જામી
ખેડા : ખેડા શહેરમાં પ્રાચિન સમયે લાલજી મંદિરમાં ઉત્સવ ઊજવાતો હતો. હવે રામજી મંદિરમાં અને પાંચ હાટડી આગળ આવેલા રણછોડજી મંદિરે તુલસી વિવાહ ધામધૂમ પૂર્વક યોજાય છે. ખેડા શહેર ઉપરાંત આજુબાજુના ગામડેથી મોડી રાત્રે ખેડા શહેરના પરા દરવાજાથી રામજી મંદિર વચ્ચે રોડ રસ્તે ભરવાડ યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે અહીં ટ્રેડિશનલ રંગબેરંગી ડ્રેસમાં શોભતા જવાનીયાઓ લગ્ન પ્રસંગે રમતા હોય તેવી પારંપરિક લોક સંસ્કૃતિનો હુડો રમે છે. ત્યારે ખેડામાં સૌરાષ્ટ હોય એવું ભાતીગળ વાતાવરણ સર્જાય છે. ખેડા શહેરના સિઝનેબલ વેપારીઓ દ્વારા તુલસી વિવાહને અનુલક્ષીને સવારથી જ શેરડીના ભારાના જથ્થા ઉતારવામાં આવ્યા હતા. જે તમામનું વેચાણ મોડી સાંજે થઈ જશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
કુંવારિકાઓ દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે તુલસી વિવાહ સંપન્ન થાય ત્યારે હાજર ભાઈ દ્વારા શેરડીનો સાંઠો ભાંગી રસ બહેનને પીવડાવી ઉપવાસ છોડાવે છે. લોકવાયકા અનુસાર આ વ્રત અને વિધિ કરવાથી દીકરીઓને મનવાંછિત વર મળે છે. પરિણામે આ દિવસે શેરડીના સાંઠાનું વેચાણ સારું એવું થાય છે.

