Get The App

પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ 1 - image

- પાંચ બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા

- ગુજરાતી ભાષા બોલતા હોવાથી સ્થાનિક હોવાની પોલીસે શક્યતા દર્શાવી, સીસીટીવી કેમેરાના આધારે તપાસ

રાજકોટ: પડધરીના નાનાવડા ગામે આવેલી દાતાર ગૌશાળામાં ગઇકાલે રાત્રે ત્રાટકેલા બુકાનીધારી લૂંટારુઓ ટ્રસ્ટી જેન્તીભાઈ ઉર્ફે હસુબાપુ કુરજીભાઈ ઠુમ્મર (ઉ.વ.૬૨) ઉપર હુમલો કરી રૂા. ૨.૯૦ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. પડધરી પોલીસ સાથે એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. જો કે આજ સાંજ સુધી કોઇ ફળદાયી માહિતી મળી નથી.

ટ્રસ્ટી જેન્તીભાઈ ગઇકાલે રાત્રે ગૌશાળામાં હતા ત્યારે કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતી તેમની ધર્મની પુત્રી, પતિ દેવેન્દ્ર સકવારા અને તેના સસરા બેસવા આવ્યા હતાં. જમીને આ ત્રણેય સાડા દસેક વાગ્યે નીકળી ગયા હતાં. ત્યાર પછી નગર પીપળીયા ગામે રહેતા અલ્પેશભાઈ મારવિયા પરિચિતો સાથે આશ્રમે આવ્યા હતાં.

આ તમામ પણ રાત્રે અઢી વાગ્યાની આસપાસ જતા રહ્યા બાદ જેન્તીભાઈ ઓસરીમાં ખાટલો ઢાળીને સૂવા જતા રહ્યા હતાં. પરંતુ ઉંઘ આવતી ન હતી. આ દરમિયાન ઓસરીમાં ટીંગાડેલા સીસીટીવી કેમેરા તરફ ધ્યાન જતાં તે કોઇએ ફેરવી નાખ્યાનું જણાયું હતું. જેથી ઉભા થઇ જોવા જતાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો ત્રાટક્યા હતાં. આવીને જેન્તીભાઈ ઉપર ધોકા વડે હુમલો કરી કહ્યું કે તારી પાસે જે કાંઇ પાંચ-દસ લાખ રૂપિયા હોય તે આપી દે.

ત્યાર પછી ખિસ્સામાંથી રૂા. ૧૦ હજાર અને મોબાઇલ ફોન કાઢી લીધો હતો. સાથોસાથ કહ્યું કે રૂમની ચાવી આપી દે. જેથી ચાવી આપી દીધી હતી. તે સાથે જ તેમને ખાટલામાં બેસાડી માથે ગોદડુ ઓઢાડી દીધું હતું. ત્રણ શખ્સો તેમની ઉપર વોચ રાખવા ગોઠવાઇ ગયા હતાં. જ્યારે બીજા બે શખ્સો ગૌશાળાના જુદા-જુદા રૂમમાં ગયા હતાં. બધા રૂમમાંથી મળી કુલ રૂા. ૨.૯૦ લાખની મત્તા લૂંટી ગૌશાળાની દીવાલ કૂદી ભાગી ગયા હતાં.

આ પછી જેન્તીભાઈએ ગૌશાળાના ગેઇટ સામે રહેતા મુકેશભાઈ અને શૈલેષભાઈને જગાડી જાણ કરી હતી. તે સાથે જ સંબંધિતો તમામ પહોંચી ગયા હતાં. લૂંટારુઓ જેન્તીભાઈનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ગૌશાળાનું કાર્ડ જેમાં હતું તે થેલો પણ લઇ ગયા હતાં. સીસીટીવી કેમેરા પણ સાથે લઇ ગયા હતાં. કેટલાક લાકડાના ધોકા સ્થળ પર મૂકી ગયા હતાં. પડધરી પોલીસે પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ ગુજરાતી ભાષા બોલતા હોવાથી સ્થાનિક હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. 

દીક્ષા લઇ સાધુ બની ગૌશાળામાં સેવા-પૂજા કરે છે

રાજકોટ: ફરિયાદી જેન્તીભાઈના પત્ની વાલીબેન અને બે પુત્રો હિરેન અને વિશાલ રાજકોટમાં રહે છે. જેન્તીભાઈએ ચારેક વર્ષ પહેલા જૂનાગઢ દશનામ જૂના અખાડામાં દીક્ષા લીધી હતી. ત્યારથી સાધુ તરીકે ગૌશાળામાં સેવા-પૂજા કરે છે. ગૌશાળાના પ્રમુખ અને ટ્રસ્ટી પણ છે. તેમનો પુત્ર વિશાલ અને નાના ભાઈ ગીરધરભાઈ પણ ટ્રસ્ટી છે. જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા પણ પોલીસ ચકાસી રહી છે.


Tags :