અમદાવાદમાં મીઠાઈના વેપારીના ઘરમાંથી વિશ્વાસુ નોકર 1.75 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો
વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોકર સામે ફરિયાદ નોંધાવી
લોકરમાં રાખેલા મોબાઈલ કેમેરામાં ચોરી કર્યાની હરકત કેદ થઈ ગઈ હતી
અમદાવાદઃ શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને ઘરઘાટીઓ દ્વારા થતી ચોરીના ગુનાઓ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યાં છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા એક મીઠાઈના વેપારીના ઘરમાંથી ઘરના નોકરે 1.75 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નોકરે ચોરી કરી હોવાની બાબત લોકરમાં રાખેલા મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
1.75 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નવરંગપુરામાં મીઠાઈની દુકાન ધરાવી વેપાર ધંધો કરતાં જયમીન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમના ઘરના નોકર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમણે ઘરના બેડરૂમમાં કબાટની અંદરના સેફ લોકરમાં દુકાનના વકરામાં આવેલા 1.75 લાખ રૂપિયાની રકમ મુકીને ચાવી બાજુના ડ્રોઅરમાં મુકી દીધી હતી. જ્યારે આ પૈસાની જરૂર પડતાં તેમણે ડ્રોઅર ખોલ્યું તો તેમાં પૈસા હતાં નહીં. જેથી તેમણે ડ્રોઅરની અંદર રાખેલા કેમેરા વાળા મોબાઈલમાં જોયું તો તેમના ઘરનો નોકર કિરણજી ઠાકોર મોબાઈલને અડતો જોવા મળ્યો હતો. તેમણે કેમેરામાં જોયું તો ઘરનો નોકર કિરણજી ઠાકોર પહેલાં મોબાઈલ હાથમાં લઈને જોતો હતો અને બાદમાં તેને મુકીને લોકર બંધ કરી દીધું હતું. તેની સામે જયમીન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 1.75 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.