Gujarat

એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા

By GS TEAM
1 Jun 20264 mins read
TukuTouch Logo
આજના ડિજિટલ યુગમાં લગ્નસંબંધનો પાયો પરસ્પરના વિશ્વાસના બદલે એકબીજાએ આપેલી માહિતીમાં કેટલી સચ્ચાઈ છે તેના પર નિર્ભર બન્યો છે. અમદાવાદમાં વર્ષે પ્રિ અને પોસ્ટ મેરેજ ઈન્વેસ્ટિગેશન માટે જાસુસી સંસ્થાના ટેબલે 7થી 8 હજાર જેટલી ઈન્કવાયરી આવે છે. જેમાં સૌથી વધુ 21થી 35 વર્ષના યુવાનો વધુ હોય છે. અમદાવાદ જ નહીં સુરત, વડોદરા, આણંદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાંથી પણ આવી ઇન્કવાયરી આવે છે. આ હજારો કેસ સાબિતી આપે છે કે આજના યુવાનો લગ્નસંબંધ માટે પરિવારજનો- વડીલોની મધ્યસ્થી કરતાં જાસુસોએ આપેલા કેરેક્ટર સર્ટિફિકેટ પર વધુ ભરોસો દાખવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા

Marriage Investigation: આજના ડિજિટલ યુગમાં લગ્નસંબંધનો પાયો પરસ્પરના વિશ્વાસના બદલે એકબીજાએ આપેલી માહિતીમાં કેટલી સચ્ચાઈ છે તેના પર નિર્ભર બન્યો છે. અમદાવાદમાં વર્ષે પ્રિ અને પોસ્ટ મેરેજ ઈન્વેસ્ટિગેશન માટે જાસુસી સંસ્થાના ટેબલે 7થી 8 હજાર જેટલી ઈન્કવાયરી આવે છે. જેમાં સૌથી વધુ 21થી 35 વર્ષના યુવાનો વધુ હોય છે. અમદાવાદ જ નહીં સુરત, વડોદરા, આણંદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાંથી પણ આવી ઇન્કવાયરી આવે છે. આ હજારો કેસ સાબિતી આપે છે કે આજના યુવાનો લગ્નસંબંધ માટે પરિવારજનો- વડીલોની મધ્યસ્થી કરતાં જાસુસોએ આપેલા કેરેક્ટર સર્ટિફિકેટ પર વધુ ભરોસો દાખવે છે.

સાત વર્ષમાં ઈન્વેસ્ટિગેશનમાં 40 ટકાનો વધારો

અમદાવાદમાં ચાલતી 15થી 20 જેટલી ખાનગી જાસુસી સંસ્થામાં વર્ષે પ્રિ મેરેજ એટલે કે લગ્ન પહેલાંની સૌથી વધુ આશરે 6 હજારથી પણ વધુ ઇન્કવાયરી હોય છે. જ્યારે પોસ્ટ મેરેજ એટલે કે લગ્ન પછી ઇન્વેસ્ટિગેશન માટે બે હજારથી વધુ પૂછતાછ થાય છે. પોસ્ટ મેરેજ વેરિફિકેશન અંગે જાસુસી સંસ્થા ચલાવતા વિશાલ ત્રિવેદી જણાવે છે કે, 'લગ્નના થોડાં સમયબાદ જો દંપતી પૈકી કોઈ એક પાત્ર ફોનમાં લોક લગાવે કે પાસવર્ડ બદલી દે, વ્યવહાર થોડો આક્રમક થાય, નાની-નાની વાતે બોલચાલ થાય છે, તેવા સમયે પતિ અથવા પત્ની જેના પર શંકા હોય તેના માટે સામેવાળું પાત્ર તે ક્યાં જાય છે, શું કરે છે, તેનું કોઈ સાથે અફેર ચાલે છે કે કેમ તે જાણવા ડિટેક્ટિવની મદદ લે છે. છેલ્લાં સાતેક વર્ષમાં આવા ઈન્વેસ્ટિગેશનમાં 40 ટકા જેટલો વધારો થયો છે.'

બીજી બાજુ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા શિવ શાહ પ્રિ મેરિટલ ઇન્વેસ્ટિગેશન વિશે જણાવે છે કે, 'એક સમયે લગ્નની બાબતો ઘર- સમાજના વડીલોની મધ્યસ્થીથી નક્કી કરાતી હતી. તે હવે મેટ્રિમોનિયલ સાઇટ્સ અને ડેટિંગ એપ મારફતે થાય છે. તેવા સમયે સામેવાળી અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો કે નહીં તે બાબતે યુવાનો અને તેમના પરિવારજો મૂંઝવણમાં મુકાય છે. જેથી પરિવારો ડિટેક્ટિવની મદદથી સામેવાળા પાત્રની આખી કુંડળી કઢાવે છે. તેને આપેલી માહિતી સાચી છે કે નહીં, તેને કોઈ વ્યસન છે, પરિવારમાં કોઈપર ક્રિમિનલ કેસ છે કે નહીં, કોઈ ગંભીર બીમારી છે કે નહીં તેની સચોટ માહિતી એકત્ર કર્યા બાદ જ પ્રભુતામાં પગલાં ભરે છે. ખાસ કરીને યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસતા એનઆરઆઈ પરિવારો જ્યારે ભારત તેમજ ગુજરાતમાં રહેતાં યુવક કે યુવતી સાથે પોતાના સંતાનના લગ્ન નક્કી કરતાં પહેલાં આવી તપાસ વધુ કરાવે છે. જો તપાસમાં કંઈ અણગમતું બહાર આવે તો લોકો સંબંધ તોડી પણ નાંખતા હોય છે. છેલ્લાં એક દાયકામાં આનું પ્રમાણ 40થી 50 ટકા વધ્યું છે.'

આ પણ વાંચો: ભગવાનના દર્શનમાં VIP કલ્ચર : ધર્મસ્થાનોને અફસર-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કાનૂની ફટકારની જરૂર

લગ્ન પહેલાં યુવતીઓ પર જાસૂસીનું ચલણ વધ્યું

લગ્ન એ બે વ્યક્તિની સાથે જ બે પરિવારોનું પણ મિલન છે. આજના સમયે પરિવાર પોતાના સંતાન માટે કોઈ જોખમ લેવા તૈયાર નથી. પહેલાંના સમયે યુવતીઓ લગ્ન પહેલાં જ સુરક્ષાના હેતુથી પોતાના ભાવી ભરથારના સ્વભાવ તેમજ આવક જાણવા માટે જાસુસોની મદદ લેતી હતી. જ્યારે હાલ મોટાભાગના કાયદા સ્ત્રી તરફેણના છે. સામે યુવકોને કાયદાની આંટીઘૂંટીમાં ફસાવવાનો ભય હોવાથી આજે પહેલાંની સરખામણીએ યુવકો લગ્ન પહેલાં યુવતીઓની માહિતી મેળવવા જાસુસોની મદદ લે છે. આજે છેલ્લાં પાંચ- સાત વર્ષથી દર 100 પૈકી 70 કેસમાં યુવતીઓ પર ઇન્વેસ્ટિગેશન વધુ થાય છે.

ડિટેક્ટિવના ટેબલે કયા પ્રકારના કેસ આવે છે?

• યુવક-યુવતીનું પ્રિ અને પોસ્ટ મેરેજ વેરિફિકેશન

• ગુમ વ્યક્તિની શોધખોળ

• પતિ/ પત્ની કોઈ ચીટિંગ કરે છે કે નહીં તે જાણવા

• બાળકોની કસ્ટડી અને ભરણપોષણ

• બિઝનેસ ઇન્ફોર્મેશન

• ફાયનાન્સિયલ ક્રેડિબિલિટી વેરિફિકેશન

• મિલકતોનું વેરિફિકેશન

• કિશોર દીકરા- દીકરી પર દેખરેખ

જન્માક્ષરની સાથે ડિટેક્ટિવની મદદથી હેલ્થ ચાર્ટ મેળવતા યુવાનો

લગ્નજીવનમાં પ્રવેશતા પહેલાં માત્ર જન્માક્ષર જ નહીં પરંતુ ભાવી જીવનસાથીની સ્વાસ્થ્યની સ્થિતિ જાણવી આજની પેઢીની પ્રાથમિકતા બની છે. પરિવારિક સ્વાસ્થ્ય અને આનુવાંશિક બીમારીઓ વિશેની અસ્પષ્ટતા દૂર કરવા હવે લોકો જાસૂસોની મદદ લે છે. સામાન્ય રીતે લગ્ન પહેલાં લોકો થેલેસેમિયા, બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ વિશે જાણકારી માંગતા હોય છે. પરંતુ આજકાલ બંને પક્ષે પરિવારો જાસૂસોની મદદથી સામેપક્ષે કોઈને કેન્સર, કિડની, હાર્ટ, એચઆઈવી જેવી કોઈ ગંભીર બીમારી છે કે નહીં તેની માહિતી પણ મેળવે છે.

પત્ની ભરણપોષણથી છટકતા પતિઓની કુંડળી જાસૂસ પાસેથી કઢાવે છે

છૂટાછેડાની કાર્યવાહી હવે માત્ર કાયદાકીય લડત રહી નથી. તેમાં પણ હવે દંપતીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા જાસૂસીની મદદ લઈ રહ્યાં છે. જ્યારે છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમથી બચવા પતિઓ પોતાની આર્થિક સદ્ધરતા કે આવક છૂપાવે છે. ત્યારે પત્નીઓ ડિટેક્ટિવની મદદથી પતિના વ્યવસાય તેમજ આવક સહિતના પુરાવા એકત્ર કરાવે છે. જે તેઓને કોર્ટમાં એલિમીની મેળવવા માટે વધુ મજબૂત સબૂત આપે છે. બીજી તરફ બાળકોની કસ્ટડી સમયે પતિઓ ડિટેક્ટિવની મદદ લે છે. પત્ની બાળકોની જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે કે નહીં, બાળકો સાથે કેવું વર્તન કરે છે, બાળકના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખે છે કે નહીં તે સહિતની માહિતી મેળવે છે.

જાસૂસીમાં વપરાતા ઉપકરણોનું વેચાણ વધ્યું

અંગત જીવન તેમજ વ્યાવસાયિક ક્ષેત્રે વ્યક્તિઓની જાસૂસી કરવાના કિસ્સા વધી રહ્યાં છે. કેટલાક લોકો ડિટેક્ટિવની મદદ લે છે, તો કેટલાક પોતે જાસૂસ બનીને જે- તે વ્યક્તિની માહિતી એકત્ર કરે છે. જેમાં આધુનિક ટેક્નોલોજી વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વનું ઓજાર બન્યું છે. પરિણામે પાંચ- છ વર્ષથી સ્પાય કેમેરા, પેન કેમેરા, જીપીએસ ટ્રેકર, ઓડિયો લિસનિંગ ડિવાઇઝ, કેટલાક કમ્પ્યુટર સોફ્ટવેર, ડ્રોન તેમજ દૂરબીન સહિતના સાધનોનું બજારમાં વેચાણ વધ્યું હોવાનું વેપારીઓ જણાવે છે.