ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે
૧ અને ૭ ટકા ટેરિફ હતી તેમાં ૫૦ ટકાનો વધારો કરી દઈને ૫૧ અને ૫૭ ટકા ટેરિફ કરી દેતા દાગીનાની નિકાસને ફટકો
ટેરિફને કારણે લેબ ગ્રોન ડાયમંડના દાગીનાની નિકાસમાં બહુ જ ઓછો ફેર પડવાની સંભાવના
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
જેમ્સ એન્ડ જ્વેલરીની ભારત અને ગુજરાતમાંથી અમેરિકામાં થતી ૪.૮ અબજ ડૉલરની સંપૂર્ણ નિકાસ ૨૭મી ઓગસ્ટથી ઠપ થઈ ગઈ છે. ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ ૧૩.૩૦ અબજ ડૉલરની થતી નિકાસમાંથી એકલા અમેરિકામાં ૪.૮ અબજ ડૉલરની નિકાસ થાય છે. આ નિકાસ અટકી પડતાં સુરતના ૮થી ૯ લાખ અને ગુજરાતના કુલ ૧૫ લાખ રત્નકલાકારોમાંથી ૪૦ ટકા રત્નકલાકારો તેમની રોજગારી ગુમાવી દે તેવી સંભાવના હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. અમેરિકા સાથેનો ધંધો તૂટી જતાં ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની થતી ૪૦ ટકા નિકાસ ઘટી જશે. બાકીના દેશો સાથેનો ૬૦ ટકા ધંધો ચાલુ જ રહેશે. સમય જતાં તેમાં નવો માર્ગ નીકળે તો વાત સાવ જ જુદી છે. અત્યારે તો ૪૦ ટકા નિકાસ ઠપ થઈ જવાના નિર્દેશો મળી રહ્યા છે. જોકે યુરોપિયન સંઘના દેશો, થાઈલેન્ડ અને હોન્ગકોન્ગમાં આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ચાલુ જ રહેશે. અમેરિકા સિવાયના તમામ દેશોમાં આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ચાલુ જ રહેશે.
જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાનું કહેવું છે કે કટ અને પોલીશ્ડ ડાયમંડ પર ૫૧ ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ જેમ્સ એન્ડ જ્વેલરી પર ૫૭ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ૨૦૨૪-૨૫ના વર્ષની વાત કરવામાં આવે તો અમેરિકા સાથેનો આપણે જેમ્સ એન્ડ જ્વેલરીનો કુલ વેપાર ૧૩.૩૦ અબજ ડૉલરને વેપાર છે. તેમાંથી અમેરિકામાં સુરતનું સીધું એક્સપોર્ટ ૪.૮ અબજ ડૉલરનું હતું.અમેરિકાનું જેમ્સ એન્ડ જ્વેલરીનું કુલ એક્સપોર્ટ માર્કેટ ૮૯ અબજ ડૉલરનું છે. તેમાંથી અંદાજે ૪૦ ટકા માલ પર એટલે કે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ પર ૫૧ ટકા અને જેમ્સ એન્ડ જ્વેલરી પર ૫૭ ટકા ટેરિફ લગાવી દેવામાં આવ્યું છે. આ તમામ નિકાસ તેની સ્પર્ધાત્મકતા ગુમાવી દીધી છે. તેનું ઉદાહરણ આપીને વાત કરીએ તો જે રિંગ ૨૦૦ ડૉલરમાં વેચાતી હતી તે હવે ૩૦૦ ડૉલરથી વધુ કિંમતે વેચવી પડી શકે છે. આમ સો ડૉલર વધારે ચૂકવવા કયો ગ્રાહક તૈયાર થાય.
બીજીતરફ ૧૦ લાખ ડૉલરની નિકાસ કરનારાઓએ ૫ લાખ ડૉલર તો માત્ર ને માત્ર ટેરિફ ચૂકવવા માટે જમા કરાવવાના આવે છે. ટેરિફ પેટે ચૂકવવાના થતાં આ નાણાં ક્યાથી કાઢવા તે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારો માટે મોટી સમસ્યા રૃપ બની ગયા છે. ત્રીજું, આપણે કાચો માલ તો બહારતી જ આયાત કરીએ છીએ. તેના પર માત્ર ૫થી ૧૦ ટકા લેબર જ ચઢાવીને નિકાસ કરી રહ્યા છીએ. તેના પર બે ટકા સુધીનો નફો મેળવી રહ્યા છીએ.
બીજા શબ્દોમાં કહીએ તો ૫૦ ટકા ટેરિફને પરિણામે આપણી જેમ્સ એન્ડ જ્વેલરીની સ્પર્ધાત્મકતા સાવ જ ખતમ થઈ જવાની છે. પરિણામે જેમ્સ એન્ડ જ્વેલરીની ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે. તેની મોટી અસર નાના કારખાને દારો અને રત્નકલાકારો પર પડશે. સમગ્રતયા જોઈએ તો અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરીની ૮૯ અબજ ડૉલરની આયાત થાય છે. આમ જેમ્સ એન્ડ જ્વેલરીનું વિશ્વનું મોટામાં મોટું માર્કેટ અમેરિકા છે. જેમ્સ એન્ડ જ્વેલરીના વિશ્વના મોટામાં મોટા માર્કેટમાંથી ભારતનો ૪૦ ટકા નિકાસ હિસ્સો ઓછો થઈ જશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેની સાથે વેપાર વધારીશું
આજે આપણે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુનાઈટેડ આરબ અમિરાત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. આ દેશો સાથેનો જેમ્સ એન્ડ જ્વેલરીનો બિઝનેસ વધારવા પર ફોકસ કરવામાં આવશે. જાપાન સાથેનો વેપાર પણ વધારી શકાશે. તેમની સાથેનો વેપાર વધારીને જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટર્સ લાભ મેળવી શકશે.
લેબગ્રોન ડાયમંડની નિકાસ અમેરિકામાં જળવાઈ રહેશે
અસલી હીરાના દાગીનાના ભાવની તૂલનાએ લેબગ્રોન ડાયમંડના ભાવ બહુ જ ઓછા હોવાથી તેના પર ૫૦ ટકા ટેરિફ ચઢાવ્યા પછીય તે અસલી હીરાના દાગીનાની જેમ મોંઘા પડવાના નથી. પરિણામે તેની નિકાસ પર ખાસ કોઈ અસર પડે તેવ જણાતું નથી. જોકે તેનો અંદાજ એકાદ મહિના પછી આવશે, એમ દિનેશ નાવડિયાનું કહેવું છે.