ગંભીર-હઠીલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા બંધ કર્યા

ટ્રમ્પના નવા 'ફતવા'થી ભારતીયોમાં ગભરાટ
અમેરિકાની સરકાર પર ખર્ચનો બોજ વધારે તેવી ડાયાબિટીસ, સ્થૂળતા સહિતની બીમારીના પીડિતોને વિઝા નહીં અપાય : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ડાયાબિટીસ અથવા મેદસ્વિતા, હૃદયરોગ, શ્વાસના રોગ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક-પાચનતંત્રની બીમારીઓ, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારી જેવી ગંભીર અથવા હઠીલી બીમારીથી પીડિત હોય તેવા વિદેશીઓને અમેરિકાના વિઝા નકારી શકાય છે. ભારતમાં ગુજરાત ડાયાબિટીસની રાજધાની ગણાતી હોવાથી ગુજરાતીઓ પર તેની મોટી અસર પડવાની આશંકા છે. અમેરકિન વિદેશ મંત્રાલયે તેના બધા જ દૂતાવાસો અને એમ્બેસીને મોકલેલા નિર્દેશોમાં સ્પષ્ટ લખ્યું છે કે બીમાર લોકોને અમેરિકામાં પ્રવેશ અપાશે તો તેઓ સરકારી સંશાધનો પર બોજ બની શકે છે અને તેઓ અમેરિકન સંશાધનો બરબાદ કરી શકે છે.
અમેરિકાના વિઝા માટે અરજી કરતા વિદેશીઓ માટે અમેરિકન એમ્બેસીની માન્યતા ધરાવતા ડૉક્ટર્સ પાસે જ તબીબી તપાસ કરાવવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ટુરિસ્ટ અને નોન ટુરિસ્ટ બંને પ્રકારના વિઝા માટે અરજી કરનારાઓની ટીબી જેવી ચેપી બીમારીઓ માટે પણ તપાસ કરવામાં આવે છે. હવે દરેક વિઝા અરજદારને તેમનો તબીબી ઇતિહાસ દર્શાવતા ફોર્મમાં દરેક વિગતો આપવાની આવશે.
આમ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તબીબી કારણો પર આધારિત વિઝા મંજૂરી માટે વધુ કડક નિયમો લાગુ કર્યા હોવાથી અમેરિકાના વિઝા માટે અરજી કરતા વિદેશીઓને ખાસ આરોગ્ય પરિસ્થિતિઓ જેમ કે ડાયાબિટીસ અથવા સ્થૂળતાના કારણે વિઝા નકારી શકાય છે. અમેરિકાની એમ્બેસીની દરેક ઓફિસ તથા કોન્સ્યુલર સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે કે અરજદારોને નવા કારણોસર અમેરિકામાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવાનું શરૂ કરી દેવાનું છે. આમ વિઝા આપવા કે ન આપવા તેનો નિર્ણય વિઝાની અરજી કરનારની ઉંમર અથવા તો તેમને સરકાર તરફથી મળતા જાહેર લાભ પર આધાર રાખતા થાય તેવી સંભાવના રહેલી છે.
અમેરિકાની સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા અરજી કરનારી વ્યક્તિઓ જાહેર લાભ એટલે કે અમેરિકાની સરકાર પર બોજરૂપ બની શકે છે કે કેમ તેની ચકાસણી કરાશે. તેમ જ વિઝા અરજદારોની ઉંમર અથવા આરોગ્ય સમસ્યાઓને કારણે પણ તેમના વિઝાની અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે. વિઝાની મંજૂરી આપતા પહેલા અરજદારોના આરોગ્ય પર ધ્યાન આપવું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હૃદયરોગ, શ્વાસના રોગ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક-પાચનતંત્રની બીમારીઓ, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિઓ માટે લાખો ડોલર જેટલી સારવાર જરૂરી બની શકે છે. આ બધાં માટે ખર્ચાળ અને લાંબા ગાળાની કાળજીની જરૂર પડે છે. આ પ્રકારની બીમારી ધરાવનારાઓને પણ અમેરિકામાં વિઝા મળવામાં તકલીફ પડી શકે છે.
સ્થૂળતાની સમસ્યાથી લઈને અસ્થમા, ઊંઘમાં અવરોધ (સ્લીપ એપ્નિયા) અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી પીડિત લોકોના વિઝા પણ નાકરવામં આવી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવનારા વિઝા અરજદારોને આરોગ્યના જોખમો હોવાની શક્યતા છે. પરિણામે અમેરિકાની જનતાને માથે તેમના ખર્ચનો બોજ આવી શકે છે. આ સંજોગોમાં તેમને અમેરિકામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લઈ શકાય છે.
- વિદેશી વિદ્યાર્થીઓએ માઠા પરિણામો ભોગવવા પડશે
નવા વિઝા નિયંત્રણોથી ભારતીય વિદ્યાર્થીઓ પર અસરની સંભાવના
- કોન્સ્યુલેટના અધિકારીઓએ નાણાકીય ક્ષમતાની સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું પણ મૂલ્યાંકન કરવાનું રહેશે
નવી દિલ્હી: ટ્રમ્પ સરકારે વિદેશી નાગરિકોને વિઝા અથવા ગ્રીન કાર્ડ્સનો ઈનકાર કરવા માટે નવા વિઝા નિયંત્રણો લાગુ કર્યા છે. આ અંગે અમેરિકન એમ્બેસી અને વાણિજ્ય દૂતાવાસોને નિર્દેશો મોકલાયા છે ત્યારે ટ્રમ્પ સરકારના નિર્ણયની અસર વિદેશી વિદ્યાર્થીઓ વિશેષરૂપે ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની સંભાવના છે.
ટ્રમ્પ સરકારના નવા નિર્દેશો ટેકનિકલી પ્રવાસી (બી-૧/બી-૨) અને વિદ્યાર્થી (એફ-૧) વિઝા સહતિ તમામ કેટેગરીના વિઝા પર લાગુ પડશે ત્યારે લાંબા સમયથી અમેરિકન અર્થતંત્ર અને ઉચ્ચ શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપતા વિદેશી વિદ્યાર્થીઓએ આ નિયંત્રણોના અનિચ્છિત પરિણામો ભોગવવા પડી શકે છે. નવી માર્ગદર્શિકાનો અમલ અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એટલે કે એફ-૧ વિઝા અરજદારો પર પણ લાગુ પડી શકે છે. પરંપરાગત રીતે સ્ટુડન્ટ વિઝા અરજીમાં તેમની પાસે તેમના અભ્યાસના સમય સુધી ટયુશન ફી, રોકાણ અને દૈનિક ખર્ચ માટેનું ભંડોળ છે કે નહીં અને અભ્યાસ પૂરો થયા પછી તેઓ પોતાના વતન પાછા ફરશે કે નહીં તે બાબતો પર કોન્યુલેટના અધિકારીઓ ધ્યાન આપતા હોય છે. પરંતુ નવી માર્ગદર્શિકા હેઠ વિઝા અધિકારીઓએ હવે અરજદારોની નાણાકીય ક્ષમતાની સાથે તેમના સ્વાસ્થ્યની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરવાનું રહેશે.
વિદેશી વિદ્યાર્થીઓ માટે આ વધારાની સ્ક્રુટિની અંગે શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થી સલાહકારોએ ચેતવણી આપી છે. અનેક નિષ્ણાતોએ એવો ભય વ્યક્ત કર્યો છે કે આ પ્રકારના નિર્દેશોથી ડાયાબિટીસ અને હાયપર ટેન્સન સામાન્ય બાબત છે તેવા ભારત જેવા દેશોના વિદ્યાર્થીઓ માટે અનિશ્ચિત પરિસ્થિતિ ઊભી થશે. હાલમાં આ નિર્દેશો એફ-૧ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ પર કેવી રીતે લાગુ થશે તે સ્પષ્ટ નથી. નાણાકીય મજબૂત સ્થિતિ હોય અથવા ખાનગી વીમા કવરેજ માટે સક્ષમ હોય તેવા વિદ્યાર્થીઓને આમાં છૂટ મળશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. યુનિવર્સિટીઓ અને ઈમિગ્રેશન વકીલોએ વિદ્યાર્થીઓને ભાવી વિઝા અરજીઓમાં સ્વાસ્થ્ય અંગેના દસ્તાવેજો તથા વીમાના પુરાવા પણ રજૂ કરવા સલાહ આપી છે.

