ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં
Surat News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના 25 ટકા ટેરિફના અમલ સાથે હવે ભારતની ચીજો પર 50 ટકા ટેરિફ લાગુ થતા સુરતના હીરા ઉદ્યોગ તેમજ કાપડ ઉદ્યોગને મોટી અસર થશે. એક્સપોર્ટમાં ઘટાડા સાથે ઉદ્યોગમાં હજારો લોકો નોકરી ગુમાવે તેવી ભીતિ છે. ખાસ કરીને હીરાના નાના કારખાનાઓને મોટું નુક્સાન થઇ શકે છે. સુરતના હીરા ઉદ્યોગનો 30 ટકા વેપાર અમેરિકા સાથે થાય છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફનો અમલ શરૂ થઇ ગયો છે.
જેને પગલે ભારતથી ડામયમંડ-જ્વેલરીની નિકાસને મોટી અસર થશે. દેશની અર્થવ્યવસ્થા પર તેની અસર પડશે પણ સુરતના હીરા ઉદ્યોગ માટે મંદીના સમયમાં મોટી આફત સમાન પુરવાર થશે. સુરતના હીરા ઉદ્યોગનો 30 ટકા વેપાર અમેરિકા સાથે થાય છે.
છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. રત્નકલાકારોની વારંવારની માંગણી બાદ ગુજરાત સરકાર સંતાનો માટે ફી સહાય પેકેજ જાહેર કરવું પડયું છે. ત્યારે હવે 50 ટકા ટેરિફની અસરને લીધે હાલમાં કામ કરી રહેલા રત્નકલાકારોના માથે પણ રોજગાર ગુમાવવાનું સંકટ ઉભું થયું છે.
દરમિયાન જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમેરિકાના 50 ટકા ટેરિફના સંદર્ભમાં ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે તાત્કાલિક રાહત પેકેજ જાહરે કરવાની માંગણી કરી છે. હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં જ 50 હજાર કરતા વધુ નોકરી જવાની ભીતિ છે.
બીજી તરફ અમેરિકાના 50 ટકા ટેરિફને કારણે ટેક્સટાઇલ એક્સપોર્ટરો માટે પણ સંકટ ઉભું થયું છે. અમેરિકન બાયર્સ તરફથી ઓર્ડરમાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની ભીતિ છે. જેથી અંદાજે 40 હજાર કરોડથી વધુનું નુક્સાન થઇ શકે છે. ભારતની તુલનામાં ચીન, પાકિસ્તાન, તૂર્કીયે, વિયેતનામ માટે ટેરિફ ઓછા છે. જેથી અમેરિકામાં ટેક્સટાઇલનો વેપાર કરવા ભારતની સ્પર્ધાત્મકતા ઓછી થશે.