Gujarat

ઓવરટેક કરવા જતા ગાડીની પાછળ અથડાતા ટ્રક ચાલકનું મોત

By GS TEAM
23 Jun 20251 min read
ઓવરટેક કરવા જતા ગાડીની પાછળ અથડાતા ટ્રક ચાલકનું મોત

- વડોદરા એક્સપ્રેસ-વે કેસરા સીમ પાસે

- સારવાર દરમિયાન ચાલકનું મૃત્યુ : પૂનાથી ટ્રકમાં મશીનરીના બોક્સ ભરી અમદાવાદ જતા હતા

નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કેસરા સીમ નજીક આગળ જતી ગાડીને ઓવરટેક કરવા જતા અથડાયેલી ટ્રકના ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અજંતા નગર ઉસ્માનબાદમાં રહેતા દત્તુ ભગવાનભાઈ સુરતી પિંગલજમાં રહેતા દશરથભાઈ ભારમલભાઈ ઝાલાની ટ્રક પર ડ્રાઇવિંગ કરે છે. તેઓ એકલા તા.૨૧/૬/૨૫ ના રોજ મહારાષ્ટ્રના પૂનાથી ટ્રકમાં મશીનરીના બોક્સ ભરી અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે સવારે છ વાગ્યાના અરસામાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી કેસરા સીમમાંથી ટ્રક પસાર થતી હતી. ત્યારે આગળ જતી ગાડીને ઓવરટેક કરવા જતા ટ્રક તેની પાછળ અથડાતા ચાલક દત્તુ સુરતી (ઉં.વ. ૫૭)ને પેટમાં તેમજ શરીર પર ગંભીર ઇજા થઈ હતી. જેથી એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ચાલકને સારવાર માટે નડિયાદ સિવિલ અને બાદમાં વધુ સારવાર માટે મણીનગર અમદાવાદ હોસ્પિટલમાં લઈ જતા દત્તુ સુરતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  

આ બનાવ અંગે દશરથભાઈ ભારમલ ઝાલાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.