Gujarat

500ના દરની 100 નંગ બનાવટી ચલણી નોટો સાથે ટ્રકના ડ્રાઇવર, ક્લીનર ઝડપાયા

By GS TEAM
15 Feb 20262 mins read
500ના દરની 100 નંગ બનાવટી ચલણી નોટો સાથે ટ્રકના ડ્રાઇવર, ક્લીનર ઝડપાયા

જામનગરમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન

રાજસ્થાનના શખ્સે મોકલેલી બનાવટી ચલણી નોટો રાજકોટ હાઇ-વે પર બે શખ્સોને સપ્લાય કરવાની હોવાનું બહાર આવ્યું

જામનગર: જામનગર જિલ્લામાં ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. અને બે પરપ્રાંતીય શખ્સો પાસેથી રૂા.૫૦૦ના દરની ૧૦૦ નંગ બનાવટી ચલણી નોટો કબજે કરી છે. તે પ્રકરણમાં રાજસ્થાનના એક સહિત અન્ય ત્રણ ફરારી જાહેર કરાયા છે.

મેઘપર પોલીસને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના પડાણા પાટીયાથી ચંગા પાટીયા તરફ જવાના માર્ગે એક ખાનગી કંપનીના ગેઇટ પાસે પાર્કિંગમાં ટ્રક લઇને આવેલા બે શખ્સો પાસે બનાવટી ચલણી નોટો છે. જેથી મેઘપર પડાણાની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો.

ટ્રકના ડ્રાઇવર મૂળ રાજસ્થાનના વતની હમીદ પપ્પુભાઇ નુરાભાઇ કઠાત તેમજ અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશી નામના ક્લીનરને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ અને તલાસી લેવામાં આવતાં તેઓ પાસેથી રૂા.૫૦૦ના દરની ૧૦૦ નંગ બનાવટી નોટો સાથેનું એક બંડલ મળી આવ્યું હતું. જે ચલણી નોટો કબજે કરી ખરાઇ કરતા તમામ ચલણી નોટો બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં કેટલીક નોટોના નંબર તો સરખા જ હતા. જે તમામ ડુપ્લીકેટ નોટો કબજે કરી લઇ ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરી લીધી હતી. જેઓને મેઘપર પડાણા પોલીસ મથકમાં લઇ જઇ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મૂળ રાજસ્થાનના વતની સલીમભાઇ કઠાત જે શેખાવાસ જિલ્લાનો વતની છે અને તેણે આ ચલણી નોટો મોકલાવી હોવાનું અને રાજકોટ હાઇવે પર અલગ અલગ બે મોબાઇલ નંબર ધારકો તેઓને આ ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા સલીમભાઇ તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ફરારી જાહેર કર્યા છે અને આ પ્રકરણમાં તપાસનો દોર રાજકોટ અને રાજસ્થાન સુધી લંબાવાયો છે.